Karni Sena: રાજસ્થાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સુખદેવ સિંહ ગોગામેડી પર ચાર અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસની તેમના પર ગોળીબાર કર્યો છે. સુખદેવ સિંહ ગોગામેડીની સાથે સાથે તેના બંદૂકધારી બૉડીગાર્ડ નરેન્દ્રને પણ હુમલાખોરોએ ગોળી મારી દીધી છે, હાલમાં જ જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે આ સમગ્ર વાતની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં બે લોકો ઘાયલ પણ થયા છે. શ્યામ નગર પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને અત્યારે પોલીસ સીસીટીવીની તપાસમાં લાગી છે. આ ઘટના શ્યામ નગરમાં દાના પાણી રેસ્ટૉરન્ટની પાછળ બની હતી, કહેવાઇ રહ્યું છે કે, લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નેહરાએ આ પહેલા ધમકી આપી હતી. આ મામલે જયપુર પોલીસને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું.
કોંગ્રેસના નેતા ઈન્દ્રરાજ ગુર્જરે કહ્યું, "આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શ્રી સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હું તેની સખત નિંદા કરું છું. અને પોલીસ પ્રશાસનને ગુનેગારોને વહેલી તકે ધરપકડ કરવા વિનંતી કરું છું."
કોંગ્રેસ નેતા રામલાલ જાટે કહ્યું, "શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવ સિંહ ગોગામેડીનું ફાયરિંગમાં મૃત્યુ એ ખૂબ જ આઘાતજનક સમાચાર છે. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારને શક્તિ આપે."
બીજેપીના જંગલરાજની શરૂઆત - કોંગ્રેસ નેતા
કોંગ્રેસના સોશિયલ મીડિયા કન્વીનર નીતિન અગ્રવાલે કહ્યું, "રાજસ્થાનમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થાનો અંત આવી રહ્યો છે અને ભાજપનું જંગલરાજ શરૂ થઈ ગયું છે. રાજપૂત કરણી સેનાના નેતા સુખદેવ સિંહ ગોગામેડીને જયપુરમાં તેમના ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી."
પોલીસના જણાવ્યા અનુસાર ગોગામેદીનું હૉસ્પિટલમાં મોત થયું હતું. પોલીસે જણાવ્યું કે મંગળવારે બપોરે ચાર-પાંચ સશસ્ત્ર માણસો શ્યામનગર વિસ્તારમાં ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા અને તેમના પર ગોળીબાર કર્યો. રાજસ્થાનના પોલીસ મહાનિર્દેશક ઉમેશ મિશ્રાએ કહ્યું, “રિપોર્ટ મુજબ ચાર-પાંચ હુમલાખોરો ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો.
ગોગામેડી, તેમના એક ગાર્ડ અને અન્ય એક વ્યક્તિ ગોળીઓથી ઘાયલ થયા હતા. જયપુર પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે પુષ્ટિ કરી હતી કે ગોગામેડીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જોસેફે કહ્યું, "સશસ્ત્ર હુમલાખોરોએ ગોગામેડી પર ગોળીબાર કર્યો. ખાનગી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. અન્ય બે લોકો ઘાયલ થયા."