Sukhdev Singh Gogamedi: આજે રાજસ્થાનમાંથી આવેલી ચોંકાવનારી હત્યાની ઘટનાથી બધા સ્તબ્ધ થઇ ગયા છે. રાજસ્થાનમાં આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારીને હત્યા કરી દેવાની ઘટનાએ રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. રાજસ્થાનમાં રાજકીય ગરમાવા વચ્ચે આ સમાચારે હલચલ મચાવી દીધી છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં સુશાસન ખતમ થઈ ગયું છે અને ભાજપનું જંગલરાજ શરૂ થઈ ગયું છે. તો હવે આ હત્યાની ઘટના મામલે પોલીસ કમિશનરનું મોટુ નિવેદન સામે આવ્યું છે. જાણો હત્યા અંગે શું કર્યો મોટો ખુલાસો....
પ્રાથમિક તપાસ બાદ તેમને જણાવ્યું કે ત્રણ લોકો બહારથી આવ્યા હતા. તેમને જાણ કરી કે અમારે મળવાનું છે. 10 મિનિટ સુધી વાત કરી અને પછી ફાયરિંગ શરૂ કરી દીધુ, આ ફાયરિંગમાં સુખદેવ સિંહનો બૉડીગાર્ડ પણ ઘાયલ થયો છે. હાલ તે આઈસીયુમાં દાખલ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે નવીન સિંહ શેખાવત નામના હુમલાખોરનું ક્રૉસ ફાયરિંગમાં મોત થયું હતું, જે શાહપુરાનો રહેવાસી છે. જયપુર પાસે રહે છે. 3 હુમલાખોરોમાંથી એકનું મોત થયું છે. પોલીસે કહ્યું કે ટૂંક સમયમાં જ અમે અન્ય બેની પણ ઓળખ કરીશું અને આ પાછળના માસ્ટરમાઇન્ડને પણ પકડીશું. બાકીના બે હુમલાખોરો આ ઘટના બાદ કોઈની સ્કૂટી છીનવીને ભાગી ગયા હતા.
હત્યાનો સીસીટીવી વીડિયો થઇ રહ્યો છે વાયરલ
સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. પહેલા સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેમની સામે ત્રણ લોકો બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરી રહેલા બે લોકોએ ગોગામેડી તેમજ ત્યાં હાજર અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. પરંતુ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે તેમનું નિશાન મુખ્યત્વે ગોગામેડી હતું. કુલ એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ગોગામેડીને નિશાન બનાવી હતી.
-