Sukhdev Singh Gogamedi Murder: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યાની જવાબદારી રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત ગોદારાએ ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાની જવાબદારી લીધી છે.


કોણ છે રોહિત ગોદારા 
રોહિત ગોદારા બિકાનેરના લૂણકરળસર વિસ્તારના કપૂરીસરનો રહેવાસી છે. ગોદારાએ 19 વર્ષની ઉંમરે ગુનાખોરીની દુનિયામાં પગ મુક્યો હતો. રોહિત ગોદારા સામે નોખામાંથી કોઈને ધમકી આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં તે લગભગ 15 વાર જેલમાં જઈ આવ્યો છે. ગોદરા બીકાનેરના કાલુ પોલીસ સ્ટેશનનો હાર્ડકોર ગુનેગાર છે. કહેવાય છે કે ગોદરા માત્ર પોતાની ગેંગ જ નથી ચલાવતો, તે મોનુ ગેંગ અને ગુથલી ગેંગ પણ ચલાવે છે.


ધારાસભ્યને પણ આપી હતી ધમકી
રોહિત ગોદારાએ નાગૌરના લાડનુંથી કોંગ્રેસના ધારાસભ્ય મુકેશ ભાકરને પણ ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, તેણે ભાકર પાસે ખંડણી માંગી હતી અને જો તે ખંડણી નહીં આપે તો ફોન પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ગોદરા સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.


હત્યાનો સીસીટીવી વીડિયો થઇ રહ્યો છે વાયરલ 
સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ સાથે જોડાયેલા કેટલાક વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. પહેલા સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે સુખદેવ સિંહ ગોગામેડી તેમના ઘરે સોફા પર બેઠા છે. તેમની સામે ત્રણ લોકો બેઠા હતા. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો. વાતચીત દરમિયાન અચાનક સામે બેઠેલા બંને લોકોએ પોતાની પિસ્તોલ કાઢી અને ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરી રહેલા બે લોકોએ ગોગામેડી તેમજ ત્યાં હાજર અન્ય બે લોકો પર ગોળીબાર કર્યો હતો. પરંતુ વીડિયો જોતા સ્પષ્ટ થાય છે કે તેમનું નિશાન મુખ્યત્વે ગોગામેડી હતું. કુલ એક ડઝનથી વધુ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી મોટાભાગની ગોગામેડીને નિશાન બનાવી હતી.










-