નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિવ્યાંગ વ્યક્તિઓના ગૌરવનું રક્ષણ કરવા માટે કડક કાયદાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) અધિનિયમની જોગવાઈઓ જેવી જ, દિવ્યાંગ વ્યક્તિઓ અથવા દુર્લભ આનુવંશિક રોગોથી પીડિત લોકોની મજાક ઉડાવવા અથવા અપમાન કરવાને ગુનાહિત ગણતો કાયદો બનાવવાનું વિચારવા જણાવ્યું હતું.
બેન્ચે પૂછ્યું, SC/ST જેવો કાયદો કેમ નથી બનાવી શકતા ?
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989, જાતિવાદી ટિપ્પણીઓ, ભેદભાવ, અપમાન અને હિંસાને ગુનાહિત બનાવે છે અને આવા ગુનાઓને બિનજામીનપાત્ર બનાવે છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે પૂછ્યું, "તમે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કાયદા જેવો કડક કાયદો કેમ નથી બનાવી શકતા, જેમાં અપમાન માટે સજાની જોગવાઈ છે ?"
"ઓનલાઈન ગેરકાયદેસર સામગ્રીને નિયંત્રિત કરવા માટે એક સ્વાયત્ત સંસ્થાની જરૂર છે."
સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર સરકાર વતી હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગરિમાની કિંમત પર રમૂજ ન હોઈ શકે. તેમણે કોર્ટના અવલોકનની પ્રશંસા કરી. બેન્ચે એમ પણ કહ્યું હતું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર અશ્લીલ, અપમાનજનક અથવા ગેરકાયદેસર સામગ્રીને નિયંત્રિત કરવા માટે એક તટસ્થ, સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થાની જરૂર છે.
'સાર્વજનિક ચર્ચા માટે દિશાનિર્દેશ જાહેર કરે મંત્રાલય'
દિવ્યાંગ વ્યક્તિઓ સામે અપમાનજનક ટિપ્પણીઓ અને ઉપહાસ માટે માર્ગદર્શિકા ઘડવાના મુદ્દા અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલીક માર્ગદર્શિકા ઘડવામાં આવી રહી છે. બેન્ચે મંત્રાલયને જાહેર ચર્ચા માટે આ માર્ગદર્શિકા જારી કરવા કહ્યું. કોર્ટે આ બાબતને ચાર અઠવાડિયા પછી સુનાવણી માટે સૂચિબદ્ધ કરી.
સુપ્રીમ કોર્ટ SMA ક્યોર ફાઈન્ડેશનની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ સંસ્થા સ્પાઈન મસ્કુલર એટ્રોફી નામની બીમારીથી પીડિત લોકો માટે કામ કરે છે. અરજીમાં "ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ" ના હોસ્ટ સમય રૈના અને વિપુન ગોયલ, બલરાજ પરવિંદર સિંહ ઘાઈ, સોનાલી ઠક્કર અને નિશાંત જગદીશ તંવર જેવા અન્ય સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ દ્વારા કરવામાં આવેલા જોક્સ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.
રૈના અને અન્ય હાસ્ય કલાકારોને આપ્યા નિર્દેશ
બેન્ચે તેમને ભવિષ્યમાં સાવચેત રહેવા કહ્યું અને નિર્દેશ આપ્યો કે રૈના અને અન્ય હાસ્ય કલાકારો દર મહિને બે કાર્યક્રમોનું આયોજન કરે જેથી દિવ્યાંગ વ્યક્તિઓની સફળતાની સ્ટોરીઓ કહી શકાય, જેથી તેમની સારવાર માટે ભંડોળ એકત્ર કરી શકાય, ખાસ કરીને SMA થી પીડિત લોકો માટે.