નવી દિલ્હી: ભારત ફ્રાન્સ વચ્ચે થયેલી રાફેલ ડીલને લઇને સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી એક અરજી પર બુધવારે સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકાર પાસે રાફેલ ડિલની પ્રક્રિયાની માહિતી બંધ કવરમાં આપવા જણાવ્યું છે. તે માટે કોર્ટે મોદી સરકારને 29 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી ઓક્ટોબરે થશે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરતા કહ્યું કે તેને કિંમત અને ડીલની ટેકનીકલ વિવરણો સાથે જોડાયેલી માહિતી નથી જોઈતી પણ માત્ર સોદો કઈ રીતે કરવામાં આવ્યો હતો તે પ્રક્રિયાની જાણકારી માંગી છે. કોર્ટ એ પણ સ્પષ્ટ કર્યું કે અરજીમાં લગાવવામાં આવેલા આરોપોને ધ્યાનમાં રાખવામાં આવ્યા નથી. આ અરજી પર મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એસ. કે. કોલ અને ન્યાયમૂર્તિ કે. એણ. જોસેફની બેન્ચે સુનાવણી કરી.

ઉલ્લેખનીય છે કે, રાફેલ મુદ્દે વિપક્ષ પાર્ટીઓ મોદી સરકારને સતત ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. આ મામલે પીએમ મોદી દ્વારા સાંધવામાં આવેલા મૌન પર પણ રાહુલ ગાંધી સવાલ ઉઠાવી રહ્યા છે. કૉંગ્રેસનો આરોપ છે કે પીએમ મોદીએ ફ્રાન્સની સરકાર પાસેથી 36 લડાકૂ વિમાન ખરીદવાનો જે સોદો કર્યો હતો તેનું મૂલ્ય યૂપીએ કાર્યકાળમાં કરવામાં આવેલી ડીલની તુલના કરતા વધારે છે. અને દાવો કર્યો છે કે પીએમ મોદીએ ડીલમાં ફેરફાર કરીને એચએએલની જગ્યાએ રિલાયન્સ ડિફેન્સને ઠેકો આપી દીધો છે.