supreme court marital cruelty judgment 2026: સુપ્રીમ કોર્ટે લગ્નજીવનના વિવાદોને લઈને એક બહુ જ મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો સાસરિયાઓ પુત્રવધૂને ઘરમાં 'એડજસ્ટ' થવાની સલાહ આપે અથવા તેને પિયર પાછી જવાનું કહે, તો તેને કાયદાકીય રીતે ગુનાહિત ક્રૂરતા કહી શકાય નહીં. આ સાથે કોર્ટે એવી પણ ટકોર કરી છે કે અંગત અદાવત કે બદલો લેવા માટે મહિલાઓ દ્વારા કાયદાનો દુરુપયોગ કરવો અને પતિના આખા પરિવારને ખોટી રીતે કેસમાં ઢસડવા એ તદ્દન ખોટું છે.
આખરે મામલો શું હતો?
મધ્યપ્રદેશના એક કેસની સુનાવણી કરતા જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. વિગતવાર વાત કરીએ તો, વર્ષ 2019 માં એક મહિલાના લગ્ન થયા હતા. પતિ સાથે અણબનાવ અને વિવાદ થતા તેણે પોતાના પતિ, સાસુ, નણંદ અને ભાભી સામે દહેજ ઉત્પીડન અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરી દીધો હતો. સાસરિયાઓએ આ કેસ રદ કરવા માટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, પરંતુ હાઈકોર્ટે કેસ ફગાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટનું તારણ અને આદેશ
સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સાસરિયાઓ સામે નોંધાયેલા તમામ ફોજદારી કેસ રદ કરી દીધા છે. કોર્ટે પોતાના ચુકાદામાં કેટલીક મહત્વની બાબતો નોંધી છે:
મૌન રહેવું ગુનો નથી: ઘણીવાર પતિ-પત્નીના ઝઘડામાં સંબંધીઓ ચૂપચાપ જોતા રહે છે અથવા તો પતિનો પક્ષ લેતા હોય છે. આ વર્તન નૈતિક રીતે કદાચ ખોટું હોઈ શકે, પરંતુ કાયદાકીય રીતે તે કોઈ ગુનો નથી.
સલાહ આપવી એ ક્રૂરતા નથી: પરિવારના સભ્યો દ્વારા દીકરાની વહુને સંબંધોમાં સમાધાન કરવા કે 'એડજસ્ટ' થવાની સલાહ આપવી એ કોઈ અપરાધ નથી.
સક્રિય ભાગીદારી જરૂરી: જો કોઈ ગુનામાં સાસરિયાઓની સીધી અને સક્રિય ભાગીદારી હોય, તો જ તેમની સામે કેસ થવો જોઈએ.
આ પણ વાંચોઃ હિન્દુ રહેવા માટે મંદિરે જવું કે પૂજા પાઠ કરવા જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
આરોપોમાં કોઈ જ દમ ન હતો
ન્યાયાધીશોએ ખાસ નોંધ્યું કે લગ્ન પછી મહિલા તેના પતિ સાથે શ્યોપુરમાં રહેતી હતી, જ્યારે તેના સાસરિયાઓ શિવપુરીમાં રહેતા હતા. બંને અલગ રહેતા હોવાથી સાસરિયાઓ દ્વારા રોજબરોજ હેરાનગતિ થતી હોવાના આરોપોમાં કોઈ દમ દેખાતો ન હતો. મહિલાએ લગાવેલા આરોપો એકદમ સામાન્ય અને કોઈ પણ પાક્કા પુરાવા વગરના હતા. વળી, જ્યારે આ કેસ ચાલતો હતો ત્યારે જ ફેમિલી કોર્ટમાં દંપતીના છૂટાછેડા થઈ ગયા હતા. આવા સંજોગોમાં પુરાવા વિના સાસરિયાઓ સામે કેસ ચલાવવો એ કાયદાનો સ્પષ્ટ દુરુપયોગ છે.
"કાયદાને બદલાનું હથિયાર ન બનાવો"
સુપ્રીમ કોર્ટે લગ્નજીવનના ઝઘડાઓમાં પતિના આખા પરિવારને સંડોવી દેવાની વધતી જતી માનસિકતા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે, "જ્યારે વૈવાહિક સંબંધો બગડે છે ત્યારે કડવાશ આવવી સામાન્ય છે, પરંતુ તેના પરિણામ સ્વરૂપે જીવનસાથીના આખા પરિવારને ક્રિમિનલ કેસમાં ફસાવવા એ ખોટું છે. કાયદાને બદલો લેવાનું સાધન કે હથિયાર ક્યારેય બનવા દઈ શકાય નહીં."
આ પણ વાંચોઃ ‘બ્રેકઅપ એ બળાત્કાર નથી’: લિવ-ઇન રિલેશનશિપ પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને મોટો ચુકાદો
