Article 370 Hearing: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર હવે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે આ મામલે 2 ઓગસ્ટથી સુનાવણી શરૂ કરશે. ભારતના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે તમામ પક્ષકારોને 25મી જૂલાઇ સુધીમાં તમામ મુદ્દાઓની યાદી બનાવવાના નિર્દેશ આપ્યા હતા. આ પહેલા કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને પોતાનું સ્ટેન્ડ રજૂ કરવામાં આવ્યું હતું, જેના સંદર્ભમાં જમ્મુ-કાશ્મીરના નેતાઓએ સવાલો ઉઠાવ્યા હતા.
વિશેષ દરજ્જો નાબૂદ કરવા સામેની અરજીઓ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું હતું કે અગાઉ મુદ્દાઓની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પછી CJIએ કહ્યું કે તમામ પક્ષોએ 25 જૂલાઈ સુધી આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 2 ઓગસ્ટથી આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે સુનાવણી શરૂ થતાં પહેલા એ પણ જણાવવું જોઈએ કે કોણ કઈ બાજુથી ઉલટતપાસ કરશે.
નોંધનીય છે કે 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. જે બાદ તેનો ઉગ્ર વિરોધ થયો હતો અને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આને લગતી 20 થી વધુ અરજીઓ પેન્ડિંગ છે, જેની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બેંચ દ્વારા એક સાથે કરવામાં આવશે.
કેન્દ્ર દ્વારા દાખલ કરાઇ એફિડેવિટ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370ને લઈને એફિડેવિટ દાખલ કરાઇ હતી. કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી નવી એફિડેવિટ છેલ્લા 4 વર્ષમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં થયેલા સુધારા પર આધારિત છે. આ બાબતમાં સંડોવાયેલા બંધારણીય પ્રશ્નો પર વિચાર કરતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને જણાવ્યું કે શાહ ફૈઝલ અને શેહલા રશીદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. ચીફ જસ્ટીસે બંનેના નામ અરજદારોની યાદીમાંથી હટાવવાના નિર્દેશ આપ્યા હતા. અત્યાર સુધી લીડ પિટિશન શાહ ફૈસલ વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના નામે હતી, જેને હવે બદલી દેવામાં આવી છે.
Join Our Official Telegram Channel: