નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં આપત્તિજનક ટિપ્પણી કરવાના આરોપી પ્રશાંત કનોજીયાને છોડી મુકવામાં આવશે. ધરપકડ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પત્રકારને તરતજ છોડી મુકવામાં આવે. કોર્ટે યુપી પોલીસને પુછ્યુ કે ટ્વીટ માટે ધરપકડ કરવાની શું જરૂર હતી. કાર્યવાહી પોતાની જગ્યાએ છે, પણ ધરપકડ કેમ કરવામાં આવી?
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, જ્યારે મૌલિક અધિકારોનું હનન થાય ત્યાર આંખ બંધ કરીને નથી બેસી શકતા. અમે એમ નથી કહેતા કે અરજીકર્તા હાઇહોર્ટ જાય. જો અરજીકર્તાને કંઇક કહેવું હોય તો હાઇકોર્ટ જઇ શકે છે. સુપ્રીમ કોર્ટમાં મંગળવારે પત્રકાર કનોજીયાની પત્ની જિગીશા અરોડાએ અરજી દાખલ કરીને તાત્કાલિક સુનાવણીમાં માંગ કરી હતી. અરજીમાં કહ્યું હતું કે આ ધરપકડ ગેરકાયદેસરની છે.
શું છે આખો મામલો? પત્રકાર કનોજીયાએ ટ્વીટર અને ફેસબુક પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક મહિલા મુખ્યમંત્રી આદિત્યનાથના કાર્યાલયની બહાર જુદાજુદા મીડિયા સંગઠનોના પત્રકારોની સમક્ષ એ દાવો કરતી દેખાઇ રહી હતી કે, તેને આદિત્યનાથને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો છે.