નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ વિવાદમાં મધ્યસ્થતાને લઈને આજે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મામલે સમાધાન મધ્યસ્થતા દ્વારા કરવામાં આવે. તેના માટે રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલીફુલ્લાહની આગેવાનીમાં ત્રણ સભ્યોની મધ્યસ્થતા પેનલની રચના કરવામાં આવી છે. તેમાં શ્રીશ્રી રવિશંકર અને શ્રીરામ પંચૂ સામેલ છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ સમગ્ર મધ્યસ્થતાની કાર્યવાહી ફૈજાબાદમાં થશે. જેની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરવાની રહેશે. તેનું કોઈ મીડિયા રિપોર્ટિંગ નહીં થાય. મધ્યસ્થતાની પ્રક્રિયા એક સપ્તાહમાં શરૂ થઈ જવાની છે એન આઠ સપ્તાહમાં મધ્યસ્થતા પ્રક્રિયા સમાપ્ત થઈ જશે. ત્યારબાદ કમિટીએ રિપોર્ટ કોર્ટમાં સોંપવો પડશે.
સુપ્રીમ કોર્ટમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલામાં ચુકાદો સંભળાવતા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે કોર્ટની દેખરેખમાં મધ્યસ્થાની કાર્યવાહી ગોપનીય રીતે થશે.