નવી દિલ્લીઃ આજે મંગળવારે  સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસને લગતાં કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, હવે તમામ રાજકીય પાર્ટીઓએ ઉમેદવારોના નામની જાહેરાતના 48 કલાકની અંદર તેના ગુનાહિત રેકોર્ડની માહિતી આપવી પડશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો હેતુ રાજકારણમાં ગુનાહિતકરણ ઓછુ કરવાનો છે. 


જસ્ટિસ આરએફ નરીમન અને બીઆર ગવઇની પીઠે આ અંગે પોતાના 13 ફેબ્રુઆરી, 2020ના નિર્ણયમાં નિર્દેશને સંશોધિત કર્યો. પીઠ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસને પ્રકાશિત કરવામાં નિષ્ફળતાનો આરોપ લગાવતાં કરવામાં આવેલી અવમાનના અરજીઓમાં ચુકાદો આપી રહી હતી.


ફેબ્રુઆરી 2020ના ચુકાદાના પેરા 4.4માં, સુપ્રીમ કોર્ટે તમામ રાજકીય પાર્ટીઓને આદેશ આપ્યો હતો કે ઉમેદવારોની પસંદગીના 48 કલાકમાં અથવા નોમિનેશન દાખલ કર્યાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા તેની વિગતો પ્રકાશિત કરવી પડશે. પરંતુ આજના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે રાજકીય પાર્ટીઓના ઉમેદવારોની જાહેરાત કર્યાના 48 કલાકમાં તેના ગુનાહિત રેકોર્ડની જાણકારી આપવી પડશે. નોંધનીય છે કે, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટ સમક્ષ કડક પગલા લેવાની માગ કરી હતી.


સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને અપીલ કરતાં કહ્યું કે ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસનો ખુલાસો નહીં કરનારી પાર્ટીઓના ચૂંટણી ચિહ્ન ફ્રીઝ અથવા સસ્પેન્ડ રાખવામાં આવે. ચૂંટણી પંચે આ સૂચન સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશના ઉલ્લંઘનના મામલે આપ્યુ છે. 


ભાજપની જન આશીર્વાદ યાત્રા
ગાંધીનગરઃ જન આશીર્વાદ યાત્રાને લઈ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓની ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડા સાથે બેઠક થઈ હતી. 5 કેન્દ્રીય મંત્રીઓની 16 મી ઓગસ્ટથી ગુજરાતમાં ત્રણ દિવસ જન આશીર્વાદ યાત્રા યોજાશે. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓએ યાત્રા સંદર્ભે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે આયોજન થયું હતું. 


16 ઓગસ્ટથી કેન્દ્રીય મંત્રીઓની જનઆશીર્વાદ યાત્રાનું આયોજન  થશે. યાત્રાના મુદ્દાઓ અને મહત્વ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષે  ગુજરાત ભાજપના નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું.  ગુજરાતમાં 5 કેન્દ્રીય મંત્રીઓની યાત્રા યોજાશે, જેમાં દરેક મંત્રી 3-4 લોકસભા વિસ્તારોમાં યાત્રા કરશે. આ યાત્રામાં પ્રદેશના પદાધિકારીઓ પણ જોડાશે.