AIMIMની માન્ચતા રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, જાણો SCએ શું કરી ટકોર
અરજદારના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે, AIMIM ધાર્મિક આધાર પર રચાયેલી પાર્ટી છે. તે ઇસ્લામિક શિક્ષણને પ્રોત્સાહન આપવા જેવી ઘણી વાતો કહે છે, જે સ્પષ્ટપણે ધર્મના નામે મત માંગે છે.

સુપ્રીમ કોર્ટે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ની માન્યતા રદ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. અરજદારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીને ધાર્મિક આધાર પર રચાયેલી ગણાવી હતી. કોર્ટે કહ્યું કે જો અરજદાર ધાર્મિક કે જાતિના આધારે મત માંગતી પાર્ટીઓ વિરુદ્ધ બોલવા માંગે છે, તો વ્યાપક અરજી દાખલ કરો.
AIMIM ની માન્યતા રદ કરવાની માંગ કરતી અરજી શિવસેનાના નેતા તિરુપતિ નરસિંહ મુરારી દ્વારા દાખલ કરવામાં આવી હતી. અગાઉ, દિલ્હી હાઈકોર્ટે 16 જાન્યુઆરી 2025 ના રોજ તેને ફગાવી દીધી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ આવ્યો હતો. સુનાવણીની શરૂઆતમાં, બેન્ચે કહ્યું કે AIMIM કહે છે કે તે બધા પછાત અને વંચિત લોકો માટે બોલે છે.
અરજદારના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે AIMIM ધાર્મિક આધાર પર રચાયેલી પાર્ટી છે. તે ઇસ્લામિક શિક્ષણને પ્રોત્સાહન આપવા જેવી ઘણી વાતો કહે છે, જેમાં સ્પષ્ટપણે ધર્મના નામે મત માંગવામાં આવે છે. આના પર કોર્ટે કહ્યું કે ઘણા પક્ષો ધર્મ કે જાતિના આધારે મતદારોને પ્રભાવિત કરે છે. પરંતુ હાલમાં કાયદામાં એકમાત્ર જોગવાઈ એ છે કે ધાર્મિક આધાર પર મત માંગનારા ઉમેદવાર સામે અરજી દાખલ કરી શકાય છે.
અરજદારના વકીલે 2017 માં અભિરામ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. તે નિર્ણયમાં, કોર્ટે ધર્મ, જાતિ, સંપ્રદાય અથવા ભાષાના આધારે મત માંગવાને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 123 (3) હેઠળ ભ્રષ્ટ આચરણ ગણાવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, અરજદારે અરજી પાછી ખેંચી લીધી.





















