સરકારી નોકરીમાં પછાત સમુદાયના હોવાને કારણે નિયમોમાં કોઈ છૂટ નહીંઃ સુપ્રીમ કોર્ટ
એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફક્ત પછાત સમુદાયના હોવાના આધાર પર કોઈ ઉમેદવારનું પલડુ ભારે થઈ શકતું નથી.

સરકારી નોકરીઓ માટેની ભરતી પ્રક્રિયામાં નિયમો અને શિસ્ત સર્વોપરી છે. એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ફક્ત પછાત સમુદાયના હોવાના આધાર પર કોઈ ઉમેદવારનું પલડુ ભારે થઈ શકતું નથી. સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે સાર્વજનિક રોજગારમાં દાન કે સહાનુભૂતિ માટે કોઈ સ્થાન નથી. સામાજિક પૃષ્ઠભૂમિની આડમાં નિયમોનો ભંગ કરવો કે છૂટછાટ આપવી એ અન્ય લાયક ઉમેદવારો સાથે ઘોર અન્યાય છે. આ ચુકાદો આપતાં ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે સ્પષ્ટ કર્યું કે આવી તીવ્ર સ્પર્ધાત્મક ભરતી પ્રક્રિયામાં બેદરકારી માટે કોઈ અવકાશ નથી.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોઈ ફક્ત પછાત સમુદાય સાથે સંબંધ ધરાવવાથી કોઈ ઉમેદવારનું પલડુ ભારે થઈ જતું નથી. કોર્ટે કહ્યું કે સરકારી નોકરી ફક્ત દયા કે સામાજિક પૃષ્ઠભૂમિના આધારે આપી શકાતી નથી. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે જણાવ્યું હતું કે જો બધા ઉમેદવારો માટે વાજબી અને સમાન અવસર સુનિશ્ચિત કરવો હોય તો જાહેર રોજગારના મામલામાં "કૃપા, દાન અથવા કરુણાને દૂર રાખવા જોઈએ".
બેન્ચે ચાર એપ્રિલના રોજ જાહેર કરાયેલા પોતાના ચુકાદામાં કહ્યું કે "માત્ર એટલા માટે કે કોઈ પછાત સમુદાયનો છે તે માપદંડને ઢાળવા માટે નિર્ણાયક પરિબળ ન હોઈ શકે," કોર્ટની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે તેણે દિલ્હી પોલીસની એ અપીલને મંજૂર કરી દીધી હતી જેમાં સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનલ અને દિલ્હી હાઈકોર્ટના એ આદેશો વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી જેમાં દિલ્હી પોલીસને એક એવા ઉમેદવારને બીજી તક આપવાનો નિર્દેશ આપ્યો હતો જે ભરતી પ્રક્રિયાના એક મહત્વપૂર્ણ તબક્કામાં હાજર રહી શક્યો ન હતો. આ કેસ એવા એક ઉમેદવાર સાથે સંબંધિત હતો જેણે કોન્સ્ટેબલ પદ માટે ભરતીનો પ્રારંભિક તબક્કો પાસ કર્યો હતો પરંતુ જાન્યુઆરી 2024 માં બીમારીનું કારણ આપીને શારીરિક સહનશક્તિ અને મેજરમેન્ટ ટેસ્ટમા હાજર રહ્યો ન હતો.
તેમ છતાં CAT એ દિલ્હી પોલીસને નિર્દેશ આપ્યો કે તેને પછીની બેચ સાથે પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવે. આ નિર્ણયને પાછળથી સપ્ટેમ્બર 2025માં દિલ્હી હાઇકોર્ટે માન્ય રાખ્યો હતો.
જોકે, સુપ્રીમ કોર્ટે આ અભિગમને યોગ્ય માન્યો નહીં. આ કેસને બેજવાબદારીનું "ઉત્તમ ઉદાહરણ" ગણાવતા બેન્ચે નોંધ્યું કે ઉમેદવારે નિર્ધારિત તારીખે હાજર ન રહેવાનું પસંદ કરીને "સુવર્ણ તક ગુમાવી દીધી" છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાસ કરીને મોટા પાયે જાહેર રોજગાર સાથે સંકળાયેલી ભરતી પ્રક્રિયાઓમાં સૂચિત શરતોનું કડક પાલન કરવું જોઈએ. "જ્યારે તકો દુર્લભ હોય છે ત્યારે વ્યક્તિએ તેને બંને હાથે ઝડપી લેવાની જરૂર છે," કોર્ટે ભાર મૂક્યો કે એક ઉમેદવાર માટે ધોરણો હળવા કરવાથી સમગ્ર પસંદગી પ્રક્રિયાની અખંડિતતા નબળી પડશે.
લગભગ એક લાખ ઉમેદવારો ભાગ લઈ રહ્યા હતા ત્યારે પ્રતિવાદી એકમાત્ર વ્યક્તિ હતો જે ટેસ્ટની તારીખમાં ફેરફારની માંગ કરી રહ્યો હતો. ઉમેદવારની પરીક્ષા મુલતવી રાખવાની અરજીઓ મળી ગઈ હોવાનું માની લેતા પણ કોર્ટે ઠરાવ્યું કે તેની બીમારીના પ્રકારને કારણે કોઈ અપવાદરૂપ સારવારની જરૂર નથી.ટેસ્ટમાં સામેલ ન થવું અને બીજી તકની માંગ કરવી સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉમેદવારમાં ધગશનો અભાવ છે. ઓછામાં ઓછું ઉમેદવારે સ્થળ પર હાજર થઈને પોતાની વાત રજૂ કરવી જોઈતી હતી અને કોઈ ઉકેલ લાવવો જોઈતો હતો. CAT અને દિલ્હી હાઈકોર્ટના આદેશોને રદ્દ કરતા સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું કે ઉમેદવાર પાસે પરીક્ષા ફરીથી સુનિશ્ચિત કરવાની માંગ કરવાનો કોઈ અધિકાર નથી.






















