Kolkata Doctor Rape Murder Case: પશ્ચિમ બંગાળમાં આર.જી. કર મેડિકલ કૉલેજ અને હોસ્પિટલમાં મહિલા ટ્રેની ડૉક્ટર સાથે બળાત્કાર અને પછી હત્યાના વિરોધમાં દેશભરની અલગ અલગ મેડિકલ કૉલેજોના વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં જસ્ટિસ જે.બી. પરદીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ મંગળવારે (20 ઓગસ્ટ 2024) આ મામલાની સુનાવણી કરશે.
કલકત્તા હાઈ કોર્ટે પોલીસની કાર્યવાહીથી અસંતુષ્ટ થઈને સીબીઆઈને કેસની તપાસ પોતાના હાથમાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે મૃતકના માતા પિતા તરફથી દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતા આ આદેશ પસાર કર્યો હતો.
કોલકાતા પોલીસે રવિવાર, 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નજીક પ્રતિબંધિત આદેશ લાદ્યો છે, જે હેઠળ પાંચથી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસે હોસ્પિટલની આસપાસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 (2) લાગુ કરી છે.
જણાવી દઈએ કે 17 ઓગસ્ટના રોજ રાષ્ટ્રવ્યાપી આક્રોશ અને તબીબી સમુદાયની હડતાળ વચ્ચે સુપ્રીમ કોર્ટ સમક્ષ આ જ મુદ્દે પર એક અરજી દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસને મોકલવામાં આવેલી આ પત્ર અરજીમાં સુપ્રીમ કોર્ટને 9 ઓગસ્ટે કોલકાતામાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેની ડોક્ટર સાથે સામૂહિક બળાત્કાર અને હત્યાની ભયાનક અને શરમજનક ઘટનાનો સ્વયં સંજ્ઞાન લેવાની વિનંતી કરવામાં આવી હતી. અરજદાર આર્મી કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સિસ, સિકંદરાબાદની બીડીએસ ડૉ. મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે અદાલતને વિનંતી કરી હતી કે 14 ઓગસ્ટે અસામાજિક તત્વો દ્વારા આરજી કર મેડિકલ કૉલેજ પર કરવામાં આવેલા હુમલાની પણ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. પત્રમાં કેસ પેન્ડિંગ રહે ત્યાં સુધી આરજી કર મેડિકલ કૉલેજ અને તેના કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળોની તૈનાતીનો આદેશ આપવાની પણ અપીલ કરવામાં આવી હતી. તેમાં દલીલ કરવામાં આવી હતી કે હુમલો અને અપરાધ સ્થળે થયેલી બર્બરતાને રોકવામાં સ્થાનિક કાયદો અને અમલીકરણ એજન્સીઓની નિષ્ફળતાને જોતાં આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે.