supreme court gst verdict: સુપ્રીમ કોર્ટે GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) અને કસ્ટમ્સ એક્ટ હેઠળ થતી ધરપકડના મામલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે હવેથી GST અને કસ્ટમ્સના કેસમાં કોઈપણ વ્યક્તિની યોગ્ય અને પૂરતા કારણ વગર ધરપકડ કરી શકાશે નહીં. અદાલતે જણાવ્યું હતું કે આ કાયદા નાગરિકોને ડરાવવા માટે નથી, અને કાયદાનો દુરુપયોગ થવા દેવામાં આવશે નહીં.
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશની ત્રણ જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે CrPC (કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર) અને BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા)માં ધરપકડના સંબંધમાં લોકોને જે અધિકારો આપવામાં આવ્યા છે, તે અધિકારો GST અને કસ્ટમ્સના કેસમાં પણ લાગુ પડશે.
કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે GST એક્ટ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ યોગ્ય કારણ વગરની ધરપકડ ગેરકાયદેસર છે. અદાલતે આ નિર્ણયમાં અરવિંદ કેજરીવાલ કેસમાં PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કાયદા સંબંધિત આપેલા આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. અરવિંદ કેજરીવાલ કેસમાં અદાલતે કહ્યું હતું કે PMLAની કલમ 19(1) હેઠળ ધરપકડ કરતા પહેલાં એ નોંધવું જરૂરી છે કે ધરપકડ શા માટે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે હવે કસ્ટમ્સ એક્ટની કલમ 104 અને GST એક્ટની કલમ 132ને PMLAની કલમ 19(1)ની સમકક્ષ ગણાવી છે.
વધુમાં, કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિને ધરપકડનો ડર હોય, તો તેઓ FIR નોંધાય તેની રાહ જોયા વિના પણ આગોતરા જામીન માટે અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા સાથે GST એક્ટ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડની જોગવાઈઓના દુરુપયોગ સંબંધિત 200થી વધુ અરજીઓનો નિકાલ કર્યો હતો.
કોર્ટે ખાસ ભાર મૂક્યો હતો કે GST અને કસ્ટમ્સ અધિકારીઓ પોલીસ અધિકારી નથી. તેથી, તેઓ પોલીસ અધિકારીઓની જેમ સત્તાનો ઉપયોગ કરી શકે નહીં. અદાલતે સ્પષ્ટતા કરી હતી કે સર્ચ અને જપ્તીની કાર્યવાહી દરમિયાન GST અથવા કસ્ટમ્સ અધિકારીઓ કોઈ પણ વ્યક્તિને તેમની વિરુદ્ધ નિવેદન આપવા માટે દબાણ કરી શકે નહીં કે ધમકી આપી શકે નહીં. જો કોઈ વ્યક્તિને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો તેઓ તાત્કાલિક કોર્ટનો સંપર્ક કરી શકે છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય GST અને કસ્ટમ્સ કાયદા હેઠળ નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે અને કાયદાના સંભવિત દુરુપયોગને રોકવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો....
મોંઘવારીમાં રાહતનો વરસાદ! પેટ્રોલ, ડીઝલ અને ગેસ થશે સસ્તા, કેન્દ્રીય મંત્રીએ આપ્યું ગ્રીન સિગ્નલ!