Supreme Court on Reserved Category: સરકારી નોકરીની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વનો અને સીમાચિહ્નરૂપ ચુકાદો (Landmark Judgement) આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મેરિટને કોઈપણ સંજોગોમાં નજરઅંદાજ કરી શકાય નહીં. જો કોઈ અનામત વર્ગ (SC, ST, OBC) નો ઉમેદવાર જનરલ કેટેગરીના કટ-ઓફ કરતા વધુ માર્કસ મેળવે છે, તો તેને શોર્ટ લિસ્ટિંગ વખતે 'ઓપન કેટેગરી' (Open Category) નો ગણવો જોઈએ, નહીં કે તેની અનામત શ્રેણીનો.

Continues below advertisement

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને યથાવત્ રાખતા જણાવ્યું હતું કે યોગ્યતા ધરાવતા તેજસ્વી ઉમેદવારોને માત્ર તેમની અનામત શ્રેણી પૂરતા સીમિત રાખવા તે અન્યાય છે. આ ચુકાદાથી હવે સરકારી ભરતીઓમાં 'મેરિટ' ને પ્રાથમિકતા મળશે.

રાજસ્થાન હાઈકોર્ટ ભરતીનો વિવાદ શું હતો?

Continues below advertisement

આ સમગ્ર મામલો ઓગસ્ટ 2022 માં રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી પ્રક્રિયાનો છે.

  • પદ: જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લર્ક ગ્રેડ-II

  • કુલ જગ્યાઓ: 2,756

  • પરીક્ષા પદ્ધતિ: 300 માર્કસની લેખિત પરીક્ષા + 100 માર્કસની ટાઈપિંગ ટેસ્ટ.

  • નિયમ: ખાલી જગ્યા કરતા 5 ગણા ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાના હતા.

જ્યારે મે 2023 માં આ પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ. SC, OBC, MBC અને EWS કેટેગરીના કટ-ઓફ માર્કસ જનરલ કેટેગરી (General Category) કરતા પણ ઊંચા ગયા હતા. પરિણામે, ઘણા એવા અનામત વર્ગના ઉમેદવારો જેમના માર્કસ જનરલ કટ-ઓફ કરતા વધારે હતા, તેઓ પોતાની કેટેગરીના ઊંચા મેરિટને કારણે ટાઈપિંગ ટેસ્ટ માટે ગેરલાયક ઠર્યા હતા. આ અન્યાય સામે ઉમેદવારો કોર્ટમાં ગયા હતા.

'ઓપન કેટેગરી' સૌના માટે છે: સુપ્રીમ કોર્ટનું વલણ

રાજસ્થાન હાઈકોર્ટે અગાઉ ચુકાદો આપ્યો હતો કે જે ઉમેદવારોએ કોઈપણ વિશેષ છૂટછાટ લીધા વગર જનરલ કેટેગરી કરતા વધુ માર્કસ મેળવ્યા છે, તેમને 'ઓપન કેટેગરી' માં શિફ્ટ કરવા જોઈએ. આ નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ ની બેન્ચે મહત્વનું અવલોકન કર્યું હતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું: "ઓપન કેટેગરી (Open Category) એ કોઈ 'જનરલ ક્વૉટા' નથી. તે તમામ ઉમેદવારો માટે માત્ર અને માત્ર મેરિટના આધારે ખુલ્લી છે. જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર પોતાની ક્ષમતા અને મહેનતથી વધુ માર્કસ લાવે છે, તો તેને જનરલ કેટેગરીમાં જ સ્થાન મળવું જોઈએ."

હવે સરકારી ભરતી પ્રક્રિયામાં શું બદલાશે?

આ ચુકાદાની અસર ભવિષ્યની તમામ ભરતીઓ પર પડી શકે છે.

  1. મેરિટ લિસ્ટ: ભરતી બોર્ડે હવે સૌપ્રથમ તમામ ઉમેદવારોનું કોમન મેરિટ લિસ્ટ (જનરલ લિસ્ટ) બનાવવું પડશે.

  2. માઈગ્રેશન: જે અનામત વર્ગના ઉમેદવારો આ જનરલ લિસ્ટમાં સ્થાન પામશે, તેમને ત્યાં ગણવામાં આવશે.

  3. અનામત બેઠકો: જનરલ લિસ્ટમાં ગયેલા અનામત ઉમેદવારોને બાદ કર્યા પછી, જે તે કેટેગરીની બાકી રહેલી બેઠકો અન્ય અનામત ઉમેદવારોથી ભરવામાં આવશે.

આ નિર્ણયથી એવા સેંકડો પ્રતિભાશાળી ઉમેદવારોને ફાયદો થશે જેઓ ટેકનિકલ કારણોસર ભરતી પ્રક્રિયામાંથી બહાર ફેંકાઈ જતા હતા.