નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા સુરેન્દ્રસિંહ નાગર અને સંજય શેઠ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા છે. સુરેન્દ્ર નાગર અને સંજય શેઠ ભાજપની ઓફિસમાં પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં ભાજપના સભ્ય બન્યા હતા. સુરેન્દ્રસિંહ નાગરે આ અવસર પર કહ્યું કે, ભાજપ સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસથી પ્રેરિત થિને પાર્ટીમાં સામેલ થયા છે.

તેમણે કહ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે બંધારણની કમ 370ને રદ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ ઘટનાએ તેને ભાજપમાં સામેલ થવાની પ્રેરણા આપી હતી. સંજય શેઠે કહ્યુ કે, તે પાર્ટીની અપેક્ષાઓને પુરી કરવામાં પ્રયાસ કરશે. સુરેન્દ્ર નાગર અને સંજય શેઠે તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપી દીધુ હતું. સંજય શેઠ સપાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ છે. સુરેન્દ્ર નાગર બે વખત ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદના સભ્ય અને બે વખત સાંસદ રહ્યા છે.


યાદવે કહ્યું કે, સુરેન્દ્ર સિંહ નાગર જમીન સાથે જોડાયેલા કાર્યકર્તા છે તથા સામાજિક ન્યાયની રાજનીતિ કરે છે. સંજય શેઠ સમાજસેવા સાથે જોડાયેલા રહ્યા છે. આ અવસર પર સમાજવાદી પાર્ટીમાંથી ભારતમાં અગાઉથી આવી ચૂકેલા નરેશ અગ્રવાલ અને નીરજ શેખર ઉપસ્થિત હતા. નાગર અને શેઠે બાદમાં ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.