Delhi : એક તરફ રાજધાની દિલ્હીમાં વધી રહેલી ગરમીના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ દિલ્હીમાં વધતી ગરમીને ઓછી કરવા સ્વામી ચક્રપાણીએ ગજબનો ઉપાય આપ્યો છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાના પ્રમુખ ચક્રપાણી મહારાજે કહ્યું કે દિલ્હીનું નામ બદલવાથી અહીંના હવામાનનો મિજાજ બદલાઈ જશે.


અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ ચક્રપાણિ મહારાજે કહ્યું કે દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવું જોઈએ કારણ કે નામનું ઘણું મહત્વ છે. જો દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવામાં આવે તો દિલ્હીમાં વરસાદ થશે અને સમૃદ્ધિ પણ આવશે.


દિલ ખુશ તો આખો દેશ ખુશ
મહારાજ આગળ કહે છે કે જ્યારે દેશનું હૃદય એટલે કે રાજધાની પ્રસન્ન રહેશે, ત્યારે આખો દેશ સુખી થશે. તોમર વંશનો એક રાજા હતો, જેની મહેલની પાઇપ ઢીલી હતી, જેના કારણે તેણે તેનું નામ ઢીલી પાડ્યું, જે પાછળથી દિલ્હી બન્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણા ઘરે બાળકનો જન્મ થાય છે ત્યારે તેનું નામ પણ આપણે  વિધિ પ્રમાણે રાખીએ છીએ અને અહીં રાજાની મહેલની પાઈપ ઢીલી પડી તો ઢીલી નામ થઈ ગયું  અને ઢીલી થઈને દિલ્હી થઈ ગયું. તેથી તેનું નામ બદલવું જોઈએ. તેમણે કહ્યું કે  આ માટે સહી ઝુંબેશ ચલાવવામાં આવશે અને આ મામલો કેન્દ્ર સરકાર સમક્ષ મૂકવામાં આવશે.


દિલ્હીમાં 43.5 ડિગ્રી તાપમાન 
જણાવી દઈએ કે દિલ્હીમાં જ્યાં આજે મહત્તમ તાપમાન 44 રહેવાની સંભાવના છે, ત્યાં લઘુત્તમ તાપમાન 29 રહી શકે છે. અગાઉ ગુરુવારે સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 43.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે છેલ્લા 12 વર્ષમાં એપ્રિલ મહિનામાં સૌથી વધુ છે. હવામાન વિભાગે કહ્યું કે રવિવારે દિલ્હીમાં આંશિક વાદળછાયું આકાશ રહી શકે છે અને હળવો વરસાદ પડી શકે છે. તેમજ પવન 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે છે, જે ગરમીથી કામચલાઉ રાહત આપી શકે છે.