તમિલનાડુમાં શશિકલાના ભત્રીજાની પાર્ટી સાથે ઓવૈસીનું ગઠબંધન, આટલી બેઠકો પર લડશે AIMIM
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Mar 2021 08:36 PM (IST)
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021માં ઓવૈસીની પાર્ટી AIMIM પોતાની કિસ્મત અજમાવી રહી છે. ઓવૈસીની પાર્ટી AIMIM એ શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરનની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે.
ફાઈલ તસવીર
ચેન્નઈઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2021માં ઓવૈસીની પાર્ટી AIMIM પોતાની કિસ્મત અજમાવી રહી છે. ઓવૈસીની પાર્ટી AIMIM એ શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરનની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. ગઠબંધનની સમજુતિ હેઠળ ઓવૈસીની પાર્ટી ત્રણ સીટ વાનીયંબાદી, કૃષ્ણગિરિ અને શંકરપુરમ પર ચૂંટણી લડશે. AIMIM એ પાછલી ચૂંટણીઓમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પાંચ સીટો પર જીત મેળવી હતી. ત્યારબાદ એઆીએમઆઈએમે ગુજરાત અને હૈદરાબાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સફળતા મેળવી હતી. AIMIM પશ્ચિમ બંગાળમાં પણ વિધાનસભા ચૂંટણી લડશે. ટીટીવી દિનાકરને થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે શશિકલાએ રાજનીતિને ભલે અલવિદા કહ્યું હોય પરંતુ તેની પાર્ટી અમ્મા મક્કલ મુનેત્ર કજગમ (એએમએમકે) ચૂંટણી લડશે. તમિલનાડુમાં 234 વિધાનસભા સીટો પર 6 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે. શશિકલાને AIDMK માંથી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીટીવી દિનાકરને એએમએમકે નામથી પાર્ટી બનાવી હતી. મહત્વનું છે કે શશિકલાએ બધાને ચોંકાવતા ત્રણ માર્ચે જાહેરાત કરી હતી કે તે રાજનીતિથી દૂર રહેશે. તેમણે કહ્યું હતું કે, એઆઈડીએમકે એક રહે અને ડીએમકેને સત્તાથી દૂર રાખે. ડીએમકે સત્તામાં રહેલી એઆઈએડીએમકે-ભાજપ ગઠબંધન વિરુદ્ધ ચૂંટણી લડી રહી છે. ડીએમકેએ ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો સાથે ગઠબંધન કર્યુ છે.