Road Accident: તમિલનાડુના તિરુમંગલમથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે સવારે તિરુમંગલમ નજીક શિવરાકોટ્ટાઈ ખાતે વિરુધુનગર અને મદુરાઈ હાઈવે પર કાર અને ટુ-વ્હીલર વચ્ચેની જોરદાર ટક્કરમાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે






માહિતી આપતાં, મદુરાઈ જિલ્લા પોલીસ અધિક્ષક અરવિંદે જણાવ્યું કે વિરુધુનગર-મદુરાઈ હાઈવે પર તિરુમંગલમ નજીક શિવરાકોટ્ટાઈ ખાતે એક ફૂલ સ્પિડમાં આવતી SUVએ  મોપેડ સાથે અથડાઈ ત્યારે આ ઘટના બની હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે પાંચમાંથી ચાર મૃતકો એક જ પરિવારના હતા અને મદુરાઈના વિલાપુરમ વિસ્તારના રહેવાસી હતા.  


વિલાપુરમના રહેવાસી પરિવાર સાથે થલાવાઈપુરમના મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન મણિકંદમ ચાર રસ્તા પર કાનાગવેલ પાસે કાર પરનો કાબુ ગુમાવી દેતા બાઇકને ટક્કર મારી હતી. તે સમયે કારની સ્પીડ ઘણી વધારે હતી. બાઇકને ટક્કર માર્યા બાદ કાર બેકાબુ થઈ  રોડની સામેની બાજુએ જઈ  હવામાં પલટી ખાઇ ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો. 


આ ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના કરૂણ મોત થયા છે. કલ્લાકુરિચી પોલીસ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ભયાનક અકસ્માતના સીસીટીવી ફૂટેજ જોરદાર વાયરલ થયા છે.