Teachers’ Day 2023: દેશભરમાં આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​શિક્ષક દિવસ નિમિત્તે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોના યોગદાનને વંદન કર્યા હતા અને પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ આપી હતી. તમિલનાડુમાં 5 સપ્ટેમ્બર, 1888ના રોજ જન્મેલા ડૉ. રાધાકૃષ્ણનને ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને મહાન દાર્શનિક તરીકે ઓળખવામાં આવે છે અને તેમના સન્માનમાં 'શિક્ષક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપતિ આજે દેશના 75 શિક્ષકોને સન્માનિત કરશે. 






 


વડાપ્રધાન મોદીએ પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે  શિક્ષકે અંદરના વિદ્યાર્થીને મરવા દેવો જોઇએ નહીં. શિક્ષકોએ બાળકોનું પ્રોત્સાહન વધારવુ જોઈએ. વિદ્યાર્થીઓનું મનોબળ વધારવુ જોઈએ. ક્યારેય સમયની અછત હોતી જ નથી. કામ કરવામાં ક્યારેય થાક લાગતો નથી.






PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉના ટ્વિટર) પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'શિક્ષકો આપણા ભવિષ્યને ઘડવામાં અને સપનાને પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિક્ષક દિવસ પર અમે તેમને તેમના અતૂટ સમર્પણ અને સમાજ પર પ્રભાવ માટે સલામ કરીએ છીએ. ડૉ. એસ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.


આ સાથે વડાપ્રધાને એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેઓ રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારના વિજેતાઓ સાથે વાતચીત કરી રહ્યા છે. આ એવોર્ડ માટે દેશભરમાંથી કુલ 75 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મંગળવારે એક કાર્યક્રમમાં આ શિક્ષકોનું સન્માન કરશે. વિજેતાઓમાં શાળાઓના 50 શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના 13 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના 12 શિક્ષકોનો સમાવેશ થાય છે.