IAF Tejas Aircraft Crash: રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ તેજસ સાથે મોટો અકસ્માત થયો છે. ભારત શક્તિ અભ્યાસ દરમિયાન આ વિમાન ક્રેશ થયું હતું. એલસીએ તેજસ આજે મંગળવારે (12 માર્ચ) એક ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જોકે, પાયલોટ સુરક્ષિત રીતે બહાર કૂદી ગયો હતો. હાલ અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ઘટના એવા સમયે બની જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત શક્તિ યુદ્ધાભ્યાસ જોવા પોખરણ ફાયરિંગ રેન્જ પહોંચ્યા હતા. વાયુસેના તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે, "ભારતીય વાયુસેનાનું તેજસ વિમાન આજે જેસલમેરમાં ઓપરેશનલ ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન ક્રેશ થયું હતું. પાઇલોટ્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે."
આ ઘટના જેસલમેરની જવાહર કોલોની પાસે બની હતી. તેજસ આગનો ગોળો બનીને ગીચ વસ્તીવાળા વિસ્તારમાં પડ્યું હતુ. આ સાથે જ એક હોસ્ટેલની દિવાલ સાથે પણ અથડાયું. સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અગાઉ આ વિસ્તારમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ થયું ક્રેશ
ક્રેશ થનાર ભારતીય સેનાનું વિમાન LCA એટલે કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. એરક્રાફ્ટ અકસ્માત સમયે ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.
તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું
થોડા સમય પહેલા ડિસેમ્બર 2023માં તેલંગાણામાં એરફોર્સનું ટ્રેની પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળેથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે દુર્ઘટના બાદ પ્લેન ખરાબ રીતે સળગી ગયું હતું.