Bihar News : રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેમજ બિહારના નાયબ મુખ્યપ્રધાન  તેજસ્વી યાદવે રવિવારે કહ્યું હતું કે જો 2024ની સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન પદની ઉમેદવારીના સંબંધમાં વિપક્ષ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નામ પર સહમત થાય છે, તો તેઓ "મજબૂત ઉમેદવાર" હશે. 


ગ્રાઉન્ડ લેવલ પર નિતીશ કુમારને ભરપૂર સમર્થન : તેજસ્વી 
તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) છોડીને બીજી વખત આરજેડીના નેતૃત્વમાં મહાગઠબંધનમાં જોડાનાર નિતીશ  કુમાર વિશે તેજસ્વી યાદવે કહ્યું કે તેમને પાયાના સ્તરે પુષ્કળ સમર્થન મળે છે. તેજસ્વી યાદવે જનતા દળ (યુનાઇટેડ), આરજેડી, કોંગ્રેસ અને અન્ય પક્ષો એકસાથે આવ્યા બાદ મહાગઠબંધન સત્તામાં આવવાને વિપક્ષી એકતા માટે શુભ સંકેત ગણાવ્યું.


નિતીશ 50 વર્ષથી સામાજિક અને રાજકીય કાર્યકર્તા : તેજસ્વી 
યાદવે કહ્યું કે છેલ્લા 50 વર્ષથી તેઓ સામાજિક અને રાજકીય કાર્યકર્તા છે. તેમણે જેપી (જયપ્રકાશ) અને અનામત આંદોલનમાં ભાગ લીધો હતો. આરજેડી નેતાએ કહ્યું કે તેઓ (કુમાર) પાસે 37 વર્ષથી વધુનો વિશાળ સંસદીય અને વહીવટી અનુભવ છે અને તેમને પાયાના સ્તરે અને તેમના સાથીદારોમાં પુષ્કળ સમર્થન મળે છે.


શું નીતિશ વિપક્ષના પીએમ પદના ઉમેદવાર હશે?
તેજસ્વી યાદવે કહ્યું કે જો આપણે હવે લોકતંત્રને  બરબાદ થવાથી નહીં બચાવીએ તો તેને પુનઃસ્થાપિત કરવું ખૂબ મુશ્કેલ હશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કુમાર 2024ની ચૂંટણી માટે વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટે સૌથી યોગ્ય છે અને શું તેઓ વિપક્ષના ઉમેદવાર બની શકે છે, તો યાદવે કહ્યું, "હું આ પ્રશ્ન માનનીય નીતિશજી પર છોડી દઉં છું. હું સમગ્ર વિપક્ષ વતી બોલવાનો દાવો કરી શકતો નથી, જો કે જો માનવામાં આવે તો આદરણીય નિતીશજી ચોક્કસપણે મજબૂત ઉમેદવાર બની શકે છે.”


શું નિતીશ આગામી વડાપ્રધાન બનશે?
JD(U)એ ભાજપ સાથે નાતો તોડી નાખ્યા બાદ કુમાર વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાની ચર્ચાએ જોર પકડ્યું છે. યાદવને જ્યારે તેઓ ભાજપ સાથે હતા ત્યારે તેમણે કુમાર વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું, "જો કોઈ ઐતિહાસિક, રાષ્ટ્રીય, સમકાલીન અને પ્રાદેશિક દ્રષ્ટિકોણથી અમારી વચ્ચે સમાનતા અને તફાવતોને જોશે, તો કોઈને ખબર પડશે કે અમારા વિચારો અને ઉદ્દેશ્યો સમાન રહ્યા છે.