Tejashwi Yadav PM Modi attack: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે આરજેડી નેતા અને વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની રાજ્યની મુલાકાત પર આકરા પ્રહારો કર્યા છે. તેજસ્વીએ વડાપ્રધાનને સીધો સવાલ પૂછ્યો કે, "તમે છેલ્લા 11 વર્ષથી વડાપ્રધાન છો, પણ તમે બિહારને શું આપ્યું છે?" તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન ગુજરાતને બુલેટ ટ્રેન અને મોટા ભાગનું બજેટ આપી રહ્યા છે, જ્યારે બિહાર સાથે માત્ર છેતરપિંડી થઈ છે. તેજસ્વીએ દાવો કર્યો કે બિહારના લોકો પરિવર્તનના મૂડમાં છે અને આ વખતે મહાગઠબંધનની સરકાર બનશે. તેમણે ભાજપ પર અત્યંત પછાત વર્ગ (EBC) અને લઘુમતી સમુદાય પ્રત્યે નફરત ફેલાવવાનો પણ આરોપ લગાવ્યો.
બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવનો PM મોદી પર સીધો હુમલો
બિહાર વિધાનસભા ચૂંટણી માટેનો રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે રાઘોપુર બેઠકના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહાર મુલાકાતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેજસ્વીએ સ્પષ્ટપણે કહ્યું કે બિહારની જનતા પરિવર્તન લાવવા માટે તૈયાર છે અને રાજ્યમાં ગુનાઓ મોટાપાયે ફેલાયેલા છે. તેમણે વડાપ્રધાન પર નિશાન સાધતા પ્રશ્ન કર્યો કે, "તમે 11 વર્ષથી દેશના વડાપ્રધાન છો, પણ તમે બિહારને કશું આપ્યું નથી. તમે ગુજરાતને બુલેટ ટ્રેન આપો છો, ત્યાં ફેક્ટરીઓ લગાવો છો, પરંતુ બિહારમાં આવીને મત માંગો છો. આવું ચાલશે નહીં."
તેજસ્વી યાદવે દાવો કર્યો કે બિહારનું કદ દરેક રીતે ગુજરાત કરતાં મોટું છે અને દેશમાં દરેક 10મો વ્યક્તિ બિહારનો છે. તેમ છતાં, વડાપ્રધાને બિહાર સાથે માત્ર દગો કર્યો છે અને ગુજરાતને જે વિકાસ આપ્યો છે તેનો 1 ટકા પણ બિહારને આપ્યો નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બિહારની જનતા દરેક વસ્તુ માટે જવાબ માંગી રહી છે અને વડાપ્રધાન પાસે કોઈ જવાબ નથી.
બજેટ અને સરમુખત્યારશાહી પર આકરા આરોપ
આરજેડી નેતાએ વધુમાં કહ્યું કે દેશનું આખું બજેટ જાણે ગુજરાતને આપી દેવામાં આવી રહ્યું છે, અને વડાપ્રધાન બિહારમાં આવીને ફક્ત આરજેડી ને ગાળો આપે છે. તેજસ્વીએ તેમની એક સભા રદ થવાનો ઉલ્લેખ કરીને તેને 'સરમુખત્યારશાહી' (Dictatorship) ગણાવી અને કહ્યું કે તેઓ આ સરમુખત્યારશાહી સામે લડતા રહેશે.
તેમણે અમિત શાહ પર નિશાન સાધતા પૂછ્યું કે તેમને અત્યંત પછાત સમુદાય (Extremely Backward Class - EBC) પ્રત્યે આટલી બધી નફરત કેમ છે. તેજસ્વીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ અગાઉ લઘુમતી સમુદાયને પાકિસ્તાન મોકલવાની વાત કરતા હતા, પરંતુ આજે તેમને તેમની ચિંતા થઈ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે, જ્યારથી મહાગઠબંધન દ્વારા અત્યંત પછાત વર્ગના વ્યક્તિને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત કરવામાં આવી છે, ત્યારથી ભાજપ તેમને ટ્રોલ કરી રહ્યું છે. તેજસ્વીએ દાવો કર્યો કે બિહારમાં આ વખતે વાતાવરણ સંપૂર્ણપણે મહાગઠબંધન તરફી છે અને મહાગઠબંધન સરકાર બનશે.