હૈદરાબાદ: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી કોંગ્રેસ પાર્ટીના હોવા છતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મોટા ભાઈ ગણાવ્યા છે. તેમણે પીએમ મોદીને ગુજરાતની જેમ તેલંગાણામાં વિકાસ કરવામાં મદદ કરવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મોટા ભાઈ ગણાવતા તેલંગાણાના મુખ્યમંત્રીએ સમર્થનની અપીલ કરી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને ગુજરાતની તર્જ પર તેલંગાણામાં વિકાસ કાર્યો માટે રાજ્યની કોંગ્રેસ સરકારને સમર્થન આપવું જોઈએ.
કૉંગ્રેસ નેતાએ સોમવારે કેન્દ્ર સાથેના ટકરાવને બાજુ પર રાખી અને સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાનો સંકેત આપ્યો હતો. અદિલાબાદમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે પીએમ મોદીએ તેલંગાણાને ગુજરાતની તર્જ પર વિકસાવવામાં મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું કે હૈદરાબાદ દેશનું પાંચમું સૌથી મોટું શહેર છે.
પીએમના સપનાને સાકાર કરવામાં તેલંગાણાની ભૂમિકા
પીએમ મોદીએ તેલંગાણામાં 56 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ લોન્ચ કર્યા ત્યારે સીએમ રેડ્ડીએ આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાને ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું છે. રેવંત રેડ્ડીના જણાવ્યા અનુસાર, તેલંગાણા પણ આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવા માંગે છે.
પીએમ મોદીએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો
રેવન્ત રેડ્ડીના કહેવા પ્રમાણે, જ્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષ થાય છે ત્યારે તેનું નુકસાન લોકોને જ સહન કરવું પડે છે. રાજકારણ માત્ર ચૂંટણી પૂરતું જ સીમિત હોવું જોઈએ. ચૂંટણી પછી ચૂંટાયેલા નેતાઓએ કેન્દ્રની મદદથી રાજ્યના વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે તેઓ કેટલાક મુદ્દાઓ પર મંજૂરી મેળવવા માટે પીએમ મોદીને મળ્યા તો તેમને સકારાત્મક પ્રતિસાદ મળ્યો.
મોટા ભાઈના સહયોગથી જ મુખ્યમંત્રી વિકાસ કરી શકશે
તેલંગાણામાં પહેલીવાર બનેલી કોંગ્રેસ સરકારના વડા બનેલા રેવંત રેડ્ડીએ સોમવારે પીએમ મોદીની હાજરીમાં કહ્યું, 'નરેન્દ્ર મોદીજી, અમારા મતે, વડા પ્રધાનનો અર્થ અમારા મોટા ભાઈ જેવો છે. મોટા ભાઈનો સહયોગ મળે તો જ મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાં વિકાસના કામોને આગળ ધપાવી શકશે. તેમણે કહ્યું, 'હું વિનંતી કરું છું કે જો તેલંગાણાનો વિકાસ ગુજરાતની તર્જ પર કરવો હોય તો તમારો સહયોગ જરૂરી છે.'
તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આગળ કહ્યું, મેટ્રો રેલ, રિવર ડેવલપમેન્ટમાં પણ આપના સહયોગની જરુર છે. જે રીતે આપે સાબરમતી રિવરફ્રન્ટનો વિકાસ કર્યો તે રીતે હૈદરાબાદમાં પણ વિકાસની જરુર છે.