Telangana Assembly: તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆર કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. આ ક્રમમાં, તેલંગાણા વિધાનસભા(Telangana Assembly)એ મંગળવારે બે ઠરાવ પસાર કર્યા છે, જેમાં પ્રથમ ઠરાવમાં નવી દિલ્હીમાં નવી સંસદ ભવનનું નામ ડૉ. ભીમ રાવ આંબેડકર (Dr. B. R. Ambedkar) ના નામ પર રાખવા અનુરોધ કર્યો જ્યારે કેંદ્ર સરકારના પ્રસ્તાવિત નવા વીજળી સુધારા બિલ(Electricity Amendment Act) 2022 નો પણ વિરોધ કર્યો હતો.
રાજ્યના માહિતી ટેકનોલોજી અને ઉદ્યોગ મંત્રી કે. ટી. રામારાવે એક પ્રસ્તાવ મૂક્યો. તેમણે કહ્યું કે બંધારણના ઘડવૈયા એવા આંબેડકરના નામ પર નવનિર્મિત સંસદ ભવનનું નામ રાખવું યોગ્ય રહેશે. રાજ્યના ઉર્જા પ્રધાન જી જગદેશ રેડ્ડીએ વીજળી બિલનો વિરોધ કરતી બીજી દરખાસ્ત રજૂ કરી. તેમણે કહ્યું કે આ બિલ ખેડૂતો, ગરીબો અને પાવર સેક્ટરના કામદારોના હિતની વિરુદ્ધ છે.
નવી સંસદ ભવનમાં શિયાળુ સત્ર યોજાઈ શકે છે
દેશની રાજધાનીમાં સેન્ટ્રલ વિસ્ટાના પુનઃવિકાસ હેઠળ નવી સંસદ ભવનનું નિર્માણ અંતિમ તબક્કામાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020 માં આ નવી ઇમારતનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્રની આ નવી ઇમારતમાં સંસદનું શિયાળુ સત્ર યોજવાની યોજના છે.
વીજળી સુધારો બિલ શું છે?
વીજળી સુધારા બિલ 2022(Electrivity Amendment Act) નો ઉદ્દેશ્ય ગ્રાહકોને વિવિધ સેવા પ્રદાતાઓ વચ્ચે પસંદગી કરવાની સુવિધા પૂરી પાડીને વીજળી વિતરણના ક્ષેત્રમાં સ્પર્ધા ઊભી કરવાનો છે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર. ના. સિંહ (R.K Singh) એ તાજેતરમાં કહ્યું હતું કે આ બિલ વર્ષના અંત સુધીમાં સંસદના શિયાળુ સત્રમાં પસાર થવાની સંભાવના છે. આ ખરડો 8 ઓગસ્ટના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો અને તે જ દિવસે ઊર્જા અંગેની સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યો હતો.