હૈદરાબાદઃ અનલોક-1 બાદ દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ દરમિયાન તેલંગાણાના ગૃહ મંત્રી મોહમ્મદ મહમૂદ અલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

તેમને ગઈકાલે મોડી રાતે હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં આવેલી અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહ મંત્રીની હાલત સ્થિર છે. મોહમ્મદ મહમૂદ અલીને પહેલાથી અસ્થામાની તકલીફ છે. આ કારણે તેમની હાલત પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ પહેલા ગૃહ મંત્રીના 5 સુરક્ષાકર્મીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો.

તેલંગાણાના નાણા મંત્રી હરીશ રાવ પહેલાથી હોમ ક્વોરન્ટાઈનમાં છે. તેમના પીએનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ હરીશ રાવના સ્ટાફમાં કામ કરતાં 16 લોકોને હોમ ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવ્યા હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તેલંગાણામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 14,419 પર પહોંચી છે. જેમાંથી 247 લોકોના મોત થયા છે. 5,147 લોકો સાજા થઈ ગયા છે અને 9,000 એક્ટિવ કેસ છે.