Indo-Myanmar Border: ભારત પાકિસ્તાન સરહદ બાદ હવે ભારત મ્યાનમાર સરહદ પર હલચલ મચી ગઇ હતી. ભારતીય સેનાએ મણિપુરના ચંદેલમાં ઉગ્રવાદીઓ સામે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય સેના સામે આંખ ઉંચી કરનારા સશસ્ત્ર કેડર એટલે કે ઉગ્રવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સેનાના આસામ રાઇફલ્સના સૈનિકોએ ચંદેલ જિલ્લાના ખેંગજોય વિસ્તારમાં ભારત-મ્યાનમાર સરહદ નજીક 10 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા.

ભારતીય સેનાએ X પર આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. સેનાના જણાવ્યા અનુસાર, મણિપુરના ચંદેલ જિલ્લાના ખેંગજોય તહસીલમાં ન્યૂ સમતલ ગામ નજીક ઉગ્રવાદીઓની ગતિવિધિઓ જોવા મળી હતી. ભારત-મ્યાનમાર સરહદ નજીક સશસ્ત્ર કેડર એટલે કે ઉગ્રવાદીઓની ગતિવિધિઓ અંગેની ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્પીયર કોર્પ્સ હેઠળના આસામ રાઇફલ્સ યુનિટે 14 મે 2025 ના રોજ એક ઓપરેશન શરૂ કર્યું હતું.

કેવી રીતે 10 ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા

જેવી સેનાના જવાનોએ કાર્યવાહી શરૂ કરી કે તરત જ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. આ પછી યોગ્ય જવાબ આપવાનો સમય આવી ગયો. મધ્યરાત્રિએ આસામ રાઇફલ્સના સૈનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એન્કાઉન્ટરમાં 10 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. દરમિયાન આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો.

ઉગ્રવાદીઓ પાસેથી શસ્ત્રો મળી આવ્યા

પૂર્વીય કમાન્ડે પોતાના ટ્વિટમાં વધુમાં જણાવ્યું હતું કે, "જવાબી કાર્યવાહીમાં સૈનિકોએ સંયમ અને રણનીતિ સાથે ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે." આ સમય દરમિયાન, સેનાએ એવી પણ માહિતી આપી હતી કે ઉગ્રવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો છે. આ ઓપરેશનને કેલિબ્રેટેડ એટલે કે યોજનાબદ્ધ ગણાવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં વધુ ઉગ્રવાદીઓ છૂપાયેલા હોવાની શંકા બાદ આસામ રાઇફલ્સ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ઉગ્રવાદીઓએ આસામ રાઇફલ્સના સૈનિકો પર ગોળીબાર શરૂ કરી દીધો. મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.