Jammu Terrorist Attack: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર સેના પર હુમલો થયો છે. સોમવારે (8 જુલાઇ), જમ્મુના બિલવાર, કઠુઆના ધડનોટા વિસ્તારમાં આતંકવાદીઓએ સેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા બે સેનાના જવાનો ઘાયલ થયા હતા. પ્રારંભિક માહિતી અનુસાર, આતંકવાદીઓ એક ગ્રેનેડ લઈને આવ્યા હતા અને સેનાના વાહનને ઉડાડવાના ઈરાદાથી તેને ફેંક્યા હતા અને પછી ફાયરિંગ શરૂ કર્યું હતું.


આતંકવાદીઓએ લોઇ મરાડ ગામ પાસે સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જવાબમાં ભારતીય સેનાએ વિસ્તારને ઘેરી લીધો અને આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ હુમલો કઠુઆ જિલ્લાના મચ્છેડી વિસ્તારના ધડનોટા ગામમાં ત્યારે થયો જ્યારે સેનાના જવાનો તેમના નિયમિત પેટ્રોલિંગ પર હતા. વળી, સુરક્ષા દળો ખાસ ખતરાની શોધમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખી રહ્યા છે.


આતંકીઓના હુમલાનો સૈનિકોએ આપ્યો જડબાતોડ જવાબ 
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું કે ભારતીય સેનાના 9મી કૉર્પ્સ હેઠળના વિસ્તારમાં ભારતીય સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓના ગોળીબાર બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. આ સાથે વધારાના સુરક્ષા દળોને પણ મોકલવામાં આવ્યા છે. વળી, સૂત્રોએ જણાવ્યું હતું કે ત્યાં 2 થી 3 આતંકવાદીઓની સંતાયા છે, જેમણે કથિત રીતે સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.


24 કલાકમાં સેનાનો સપાટો, 6 આતંકીઓને ઠાર માર્યા 
અગાઉ, સેનાએ 2024 કલાક પહેલા જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. શનિવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં એક પેરા-ટ્રૂપર સહિત બે જવાન શહીદ થયા હતા, જ્યારે અન્ય એક જવાન ઘાયલ થયો હતો. પ્રથમ અથડામણ મોદરગામ ગામમાં ત્યારે થઈ જ્યારે CRPF, આર્મી અને સ્થાનિક પોલીસના સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેની બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પ્રારંભિક ગોળીબારમાં એક પેરા-ટ્રોપર ગંભીર રીતે ઘાયલ થયો હતો.


વળી, કુલગામના ફ્રિસલ વિસ્તારમાં વધુ એક ભીષણ અથડામણ થઈ. લાંબા એન્કાઉન્ટર બાદ ડ્રોન ફૂટેજમાં ચાર આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ અથડામણમાં એક જવાન શહીદ થયો હતો અને બીજો ઘાયલ થયો હતો.