Jammu-Kashmir Attack: જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં એક મોટો આતંકવાદી હુમલો થયો છે. અહીં સેનાના વાહન પર અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જમ્મુના રૌજારીના સુંદરબની સેક્ટરમાં બપોરે લગભગ 12:45 વાગ્યે સેનાના વાહન પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને અંજામ આપ્યા પછી આતંકવાદીઓ તરત જ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. હાલમાં આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના કે જાનહાનિના કોઈ સમાચાર નથી. વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને આતંકવાદીઓને શોધવામાં આવી રહ્યા છે.

સવારથી જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ હતું

જમ્મુનો સુંદરબની વિસ્તાર, જ્યાં આ હુમલો થયો હતો, તે LoC ને અડીને આવેલો છે. સવારથી અહીં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું, તે દરમિયાન સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો. જોકે, સેનાએ હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટી કરી નથી. આ વિસ્તાર પાકિસ્તાન સરહદને અડીને આવેલો છે. તેથી પોલીસને હાલમાં ત્યાં જવાની મંજૂરી નથી. સેના પોતે ત્યાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો તરત જ ભાગી ગયા હતા અને નજીકના વિસ્તારોમાં છૂપાઈ ગયા હતા. સેનાના જવાનોને બદલો લેવાની તક પણ મળી નહીં. આ પછી સેનાના જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે.

શરૂઆતની તપાસના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે સેનાના વાહનની ગતિવિધિ દરમિયાન આ આકસ્મિક ગોળીબાર હતો. જોકે, આ મામલે હજુ સુધી કોઈપણ સેના અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

7 ફેબ્રુઆરીના રોજ 7 ઘૂસણખોરો માર્યા ગયા હતા

7ફેબ્રુઆરીના રોજ ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. આમાંથી 2-3 પાકિસ્તાની સેનાના સૈનિકો હતા, જ્યારે કેટલાક અલ બદ્ર સંગઠન સાથે સંકળાયેલા હોઈ શકે છે. આ સંગઠન પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જૂથોમાંનું એક છે, જે ભારતીય ક્ષેત્રમાં હિંસા ફેલાવવાનો પ્રયાસ કરતું રહે છે.