Imam Ilyasi: ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર બનેલી હિંસક ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. આ મામલે ભારતના 'ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન'ના ચીફ ઈમામ ડૉ. ઇમામ ઉમર અહેમદ ઈલ્યાસીએ એક મહત્વપૂર્ણ નિવેદન જારી કર્યું છે. તેમણે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, સિડનીમાં જે કાંઈ પણ બન્યું તે અત્યંત દર્દનાક છે. નિર્દોષ લોકોના લોહી વહેવડાવનારાઓની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે.
ઇમામ ઇલ્યાસીએ હુમલાખોરો અને માનવતાવાદીઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, "આ ઘટનામાં જેમણે નિર્દોષોની હત્યા કરી તે માણસો નહીં પણ 'શેતાન' હતા. જ્યારે જે વ્યક્તિએ પોતાના જીવના જોખમે લોકોને બચાવ્યા, તે સાચા અર્થમાં મુસ્લિમ હતો." તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઇસ્લામ ધર્મ હંમેશા જીવનનું રક્ષણ કરવાનું શીખવે છે, કોઈનો જીવ લેવાનું નહીં. ધર્મના મૂળભૂત સિદ્ધાંતો દયા અને કરુણા છે, હિંસા નહીં.
વર્તમાન સમયમાં ઇસ્લામના નામે ફેલાવવામાં આવતા આતંકવાદ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, "આજે દુર્ભાગ્યવશ ઇસ્લામના નામે કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કેટલાક આતંકવાદી સંગઠનો ધર્મના ઓઠા હેઠળ પોતાની દુકાનો ચલાવી રહ્યા છે અને માનવતા વિરુદ્ધના કૃત્યો કરી રહ્યા છે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આવા ઉગ્રવાદ અને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં આવે.
પીડિત પરિવારો પ્રત્યે એકજુટતા દર્શાવવા માટે તેમણે એક મોટી જાહેરાત કરી છે. મુખ્ય ઇમામ તરીકે તેમણે જણાવ્યું કે, "ભારતની તમામ 5.5 લાખ મસ્જિદો વતી, આવતા શુક્રવારે (જુમ્મા) અમે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરીશું. અમે માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોના આત્માની શાંતિ માટે અલ્લાહને દુઆ કરીશું." તેમણે સમાજને સંદેશ આપ્યો કે માનવતા જ આપણો સૌથી મોટો અને શ્રેષ્ઠ ધર્મ છે.
આ હુમલા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં ભારત ઓસ્ટ્રેલિયાના લોકો સાથે ખભેખભા મિલાવીને ઉભું છે. સમગ્ર દેશ વતી તેમણે પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી. ભારત હંમેશા આતંકવાદના કોઈપણ સ્વરૂપનો વિરોધ કરતું આવ્યું છે અને આ ઘટનામાં પણ ભારતની સહાનુભૂતિ પીડિતો સાથે છે.
ઘટનાની વિગતો મુજબ, 14 ડિસેમ્બરના રોજ સિડનીમાં યહૂદી તહેવાર 'હનુક્કાહ'ની ઉજવણી ચાલી રહી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા ત્યારે અચાનક બે હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ બર્બરતાપૂર્ણ કૃત્યમાં 15 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. જોકે, સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં એક હુમલાખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.