Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના ગૌસીબુગ પટ્ટન વિસ્તારમાં આતંકીઓ દ્વારા સરપંચની હત્યા કરવામાં આવી છે. સરપંચની ઓળખ મંજૂર અહેમદ બાંગરૂ તરીકે થઈ છે, જે મોહમ્મદ સાદિકના પુત્ર છે. ગોશબુગ વિસ્તારમાં અજાણ્યા બંદૂકધારી આતંકીઓ એ તેમના પર ગોળીબાર કર્યો હતો. તેને તાત્કાલિક અહીંની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ સરપંચ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ઘટનાની કરી નિંદા
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બારામુલ્લાના ગૌસીબુગ પટ્ટન વિસ્તારમાં આતંકીઓ દ્વારા સરપંચની હત્યા કરવામાં આવી તે ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું, “ હું સરપંચ મંજૂર અહેમદ બાંગરુ પર થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરું છું. આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને સજા થશે. દુઃખની આ ઘડીમાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.”
13 એપ્રિલે પણ ગોળી મારી એક વ્યક્તિની હત્યા કરાઈ હતી
જમ્મુ કાશ્મીરમાં બે દિવસ પહેલા 13 એપ્રિલે પણ એક વ્યક્તિની ગોળી મારી આતંકીઓએ હત્યા કરી હતી. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કાકરાન વિસ્તારમાં આતંકવાદીઓએ એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી હતી. આ વ્યક્તિની ઓળખ કાકરાન કુલગામના રહેવાસી સતીશ સિંહ રાજપૂત તરીકે થઈ છે. એક અધિકારીના કહેવા પ્રમાણે, શંકાસ્પદ આતંકવાદીઓએ કાકરાનમાં એક વ્યક્તિને ગોળી મારી હતી, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, કાશ્મીર ફ્રીડમ ફાઈટર્સ નામના આતંકવાદી સંગઠને વ્યવસાયે ડ્રાઈવર સતીશ સિંહની હત્યાની જવાબદારી લીધી છે.કુલગામ જિલ્લામાં પોસ્ટરો જોવા મળ્યા જેમાં એક અજાણ્યા આતંકવાદી સંગઠને સ્થાનિકો ના હોય તેવા લોકોને કાશ્મીર છોડવાની ચેતવણી આપી છે. કાશ્મીરી પંડિતોને ખીણ છોડવા માટે આ ચેતવણી આપવામાં આવી છે.