Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાએ દેશને હચમચાવી દીધો છે. જેમાં બે વિદેશી નાગરિકો સહિત કુલ 26 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં એક યુએઈનો અને બીજો નેપાળનો છે. આ હુમલા સાથે જોડાયેલ એક સત્ય સામે આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આતંકવાદીઓએ પલ્લવી રાવ નામની મહિલાના પતિ મંજુનાથ રાવની સામે ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જ્યારે મહિલાએ કહ્યું કે મને અને મારા બાળકોને પણ મારી નાખો તો આતંકીઓએ કહ્યું કે, જાઓ અને મોદીને બધું જ કહો.

મંજુનાથ રાવ તેમના જીવનમાં પહેલીવાર કાશ્મીરની મુલાકાતે આવ્યા હતા, જે તેમની છેલ્લી મુલાકાત સાબિત થઈ. આટલું જ નહીં, છેલ્લા 46 વર્ષમાં પહેલીવાર તેઓ પરિવાર સાથે ફરવા કર્ણાટકની બહાર આવ્યા હતા. હુમલા પહેલા, રાવ દંપતી પહેલગામના સુંદર ઘાસના મેદાનોમાં લટાર મારતું હતું. ત્યારબાદ અચાનક તેમને ગોળીઓ ચલાવવાનો અવાજ સંભળાવા લાગ્યો. આ હુમલામાં મંજુનાથ ઉપરાંત કર્ણાટકના અન્ય એક વ્યક્તિનું મોત થયું હતું. બીજા મૃતકનું નામ ભારત ભૂષણ છે, જે બેંગલુરુનો રહેવાસી હતો. તેને પણ આતંકીઓએ પસંદ કરીને ગોળી મારી દીધી હતી.

મંજુનાથ 24 એપ્રિલે ઘરે પરત ફરવાના હતા

પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા મંજુનાથની બહેને એએનઆઈને જણાવ્યું કે, તેઓ આ મહિનાની 8મી તારીખે ગયા હતા અને 24મીએ પાછા ફરવાની અપેક્ષા હતી. તેણે મેસેજ કરીને મારી માતાને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી હતી.

પુત્રની 12મા ધોરણની પરીક્ષા બાદ પ્રવાસ કરવાનો નિર્ણય

મંજુનાથે પુત્ર અભિજીતની 12મા ધોરણની પરીક્ષા બાદ કાશ્મીર જવાનું નક્કી કર્યું હતું. તે 19 એપ્રિલના રોજ શિવમોગાથી એક જૂથ સાથે નીકળ્યો હતો. દરમિયાન, મલનાડ એરેકા માર્કેટિંગ કો-ઓપ સોસાયટીની બિરુર શાખાના બ્રાન્ચ મેનેજર પલ્લવીએ એક ટીવી ચેનલને જણાવ્યું કે કેવી રીતે આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરતા પહેલા પીડિતોની પ્રોફાઇલ તૈયાર કરી હતી. તેનો અર્થ એ કે, પહેલા તેઓએ જોયું કે કોણ ક્યાંથી છે, પછી લક્ષ્ય પસંદ કર્યું અને તેને મારી નાખ્યો. આનાથી સ્પષ્ટ થાય છે કે આ હુમલો માત્ર ભય પેદા કરવાનો પ્રયાસ ન હતો પરંતુ એક સુનિયોજિત હત્યાકાંડ હતો જેમાં શાંતિ, પર્યટન અને ભારતની આંતરરાષ્ટ્રીય છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સાઉદી અરેબિયાની મુલાકાતને ટૂંકાવીને ભારત પાછા ફર્યો છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ કાશ્મીર પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો.