Kanchan Ganga Glacier Breaks: બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર , મચી ગઇ નાસભાગ
બદ્રીનાથ ધામ નજીક કંચન ગંગા ઉપર ગ્લેશિયર તૂટવાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, સ્થાનિક વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે ગ્લેશિયર તૂટવાથી કોઈ નુકસાન થયું નથી અને તે એક સામાન્ય કુદરતી ઘટના છે.

- કંચન ગંગા ગ્લેશિયરનું પીગળવું, તાપમાન વધાવાથી ઝડપ બન્યુ
- હિમાલયમાં બરફવર્ષાની પદ્ધતિ બદલાઈ, ગ્લેશિયરો પર અસર.
- શિયાળામાં ઓછો વરસાદ, ઉનાળામાં કુદરતી આફતોનો ખતરો વધ્યો.
- ગ્લેશિયરો નબળા પડવાથી જળસ્ત્રોતો અને કૃષિ પર ગંભીર અસર.
Kanchan Ganga Glacier Breaks: દર વર્ષે નીચેની તરફ સરકતો આ ગ્લેશિયર ઉનાળાની શરૂઆત અને વધતા તાપમાન સાથે ઝડપથી પીગળવા લાગે છે. ચમોલીના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ સુરજીત સિંહ પંવારે જણાવ્યું કે સ્થાનિક પ્રશાસન સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. વાડિયા હિમાલય ભૂ-વિજ્ઞાન સંસ્થાનના વૈજ્ઞાનિકોના તાજા સંશોધનમાં ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. પર્યાવરણ વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર હિમાલય વિસ્તારમાં બરફવર્ષાની પદ્ધતિ સંપૂર્ણપણે બદલાઈ રહી છે. સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થતી ભારે બરફવર્ષાની જગ્યાએ હવે માર્ચ અને એપ્રિલમાં વધુ બરફ પડી રહ્યો છે. તેનો સીધો પ્રભાવ પહાડોના ‘વોટર બેંક’ કહેવાતા ગ્લેશિયરો પર પડી રહ્યો છે. આ બદલાવને કારણે ટ્રિ લાઇન એટલે કે વૃક્ષો ઉગવાની ભૌગોલિક સીમા પણ સતત ઉપર ખસી રહી છે. આ સંશોધન જર્મનીની પ્રતિષ્ઠિત ‘એપ્લાઈડ જિઓમેટિક્સ’ રિસર્ચ જર્નલમાં પણ પ્રકાશિત થયું છે.
શિયાળામાં દુષ્કાળ જેવી સ્થિતિ, ઉનાળામાં આફતનો ખતરો
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હિમાલયમાં શિયાળાની સરખામણીએ ઉનાળામાં વધુ બરફવર્ષા થવાનું મુખ્ય કારણ ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’માં આવેલી અસમાનતા છે. શિયાળામાં પશ્ચિમી વિક્ષોભ નબળો પડતા વરસાદ અને બરફવર્ષામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે ઉનાળામાં તે સક્રિય થતાં અસામયિક બરફવર્ષા, ભારે વરસાદ, કરા અને કુદરતી આપદીઓનો ખતરો અનેકગણો વધી ગયો છે.
વાડિયા સંસ્થાનના વૈજ્ઞાનિક ડૉ. પંકજ ચૌહાનના જણાવ્યા પ્રમાણે બાગેશ્વરના પિંડારી અને કફની ગ્લેશિયરની જેમ સમગ્ર મધ્ય હિમાલય હાલમાં આ જ ઋતુપરિવર્તનનો સામનો કરી રહ્યો છે.
ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે
આંકડાઓ મુજબ પિંડારી અને કફની ગ્લેશિયર વિસ્તારમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં સૌથી વધુ 158 સેન્ટીમીટર બરફ પડ્યો છે, જ્યારે માર્ચમાં 84 સેન્ટીમીટર બરફ નોંધાયો હતો. તેની સામે જાન્યુઆરીમાં માત્ર 96 સેન્ટીમીટર બરફ પડ્યો હતો અને ડિસેમ્બરમાં માત્ર ઊંચા વિસ્તારોમાં ચાર વખત હળવી બરફવર્ષા થઈ હતી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માર્ચ અને એપ્રિલમાં તાપમાન વધુ હોવાના કારણે બરફ જેટલી ઝડપે પડે છે એટલી જ ઝડપે પીગળી પણ જાય છે. જેના કારણે ગ્લેશિયરો અંદરથી નબળા પડી રહ્યા છે. ભવિષ્યમાં આ સ્થિતિ જળસ્ત્રોતોને અસર કરી શકે છે અને મોટી કુદરતી આપદીઓને આમંત્રણ આપી શકે છે.
પર્યાવરણવિદ અને પદ્મવિભૂષણ ડૉ. અનિલ જોશીના જણાવ્યા મુજબ હવામાનના આ બદલાતા પેટર્નથી કૃષિ, પર્યટન અને હોર્ટિકલ્ચર ક્ષેત્રોને ગંભીર અસર થશે. જેના કારણે ખાદ્ય સુરક્ષાનો સંકટ ઊભો થઈ શકે છે અને અનાજના ભાવોમાં પણ વધારો થવાની શક્યતા છે.





















