પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ માર્યા ગયા છે. સોમવારે (28 જુલાઈ, 2025) ત્રણ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા, જેમાંથી બે 26 એપ્રિલે કાશ્મીરમાં પહેલગામ હુમલામાં સામેલ હતા. જમ્મુ કાશ્મીરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.  આતંકીઓ પાસે મોટી માત્રામાં હથિયાર મળ્યા છે.  જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા ઓપરેશન મહાદેવ ચલાવવામાં આવી રહ્યું છે.   

જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચનો કમાન્ડર હાશિમ મુસા (જે પહેલા પાકિસ્તાની સેનામાં સૈનિક હતો) ને આખરે ભારતીય સેના દ્વારા ઠાર કરવામાં આવ્યો છે. આ એન્કાઉન્ટર 28 જુલાઈના રોજ શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં થયું હતું. હવે આ એન્કાઉન્ટરની તસવીરો સામે આવી છે. હાશિમ મુસાને માત્ર પહેલગામ હુમલાનો કાવતરાખોર માનવામાં આવતો ન હતો, પરંતુ તે સોનમર્ગ ટનલ હુમલા માટે પણ જવાબદાર હતો.

તેમની પાસેથી અમેરિકા સ્થિત કાર્બાઇન, AK-47, 17 રાઇફલ ગ્રેનેડ અને અન્ય સામગ્રી મળી આવી છે. ભારતીય સેના માટે આ એક મોટી સફળતા છે, પહેલગામ હુમલાના તમામ આતંકવાદીઓ માર્યા ગયા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે, સુરક્ષા દળોએ હરવાનના મુલનાર વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. જ્યારે સુરક્ષા કર્મચારીઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા, ત્યારે દૂરથી બે રાઉન્ડ ગોળીબારનો અવાજ સંભળાયો. તેમણે કહ્યું કે વિસ્તારમાં વધારાના દળો મોકલવામાં આવ્યા છે અને આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘેરાયેલા વિસ્તારમાં બે થી ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. 

લિડવાસ શ્રીનગરની બહારનો ગીચ જંગલ વિસ્તાર છે, જે ત્રાલને પહાડી માર્ગે જોડે છે. આ વિસ્તારમાં અગાઉ પણ TRFની આતંકવાદી પ્રવૃત્તિઓના અહેવાલો આવ્યા છે. આ ઓપરેશનનું નેતૃત્વ સેનાના ચિનાર કોર્પ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે ત્રણ આતંકવાદીઓને માર્યા ગયાની પુષ્ટિ કરી છે. આ દરમિયાન, દાચીગામ જંગલના ઉપરના ભાગોમાં CRPF અને જમ્મુ અને કાશ્મીર પોલીસનું સંયુક્ત ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ એ જ વિસ્તાર છે જ્યાં જાન્યુઆરીમાં પણ TRFના એક ઠેકાણાને તોડી પાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા શંકાસ્પદ પ્રવૃત્તિઓ મળી આવી હતી.