જો તમે લોકો પણ ટ્રેનમાં મુસાફરી કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. મુસાફરી દરમિયાન, જ્યારે લોકો સ્ટેશન પર પહોંચવાની ઉતાવળમાં હોય છે, ત્યારે તેઓ ભૂલથી તેમનો કિંમતી સામાન ટ્રેનમાં જ ભૂલી જાય છે. પછીથી જ્યારે આપણને યાદ આવે છે આપણે સામાન શોધવાનું શરૂ કરીએ છીએ પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે અને આપણને નિરાશા જ મળે છે.
રેલવેએ મુસાફરોની સુવિધા માટે એક ખાસ મિશન શરૂ કર્યું હતું અને આ મિશનનું નામ છે Mission Amanat. ચાલો જાણીએ શું છે ઓપરેશન અમાનત અને તમને ખોવાયેલા સામાન વિશે કેવી રીતે માહિતી મળશે?
ભારતીય રેલવેના પશ્ચિમ ઝોને મુસાફરોની સુવિધા માટે Mission Amanatની શરૂઆત કરી હતી. આ મિશનને કારણે અત્યાર સુધીમાં લાખો લોકોને તેમનો સામાન પરત કરવામાં આવ્યો છે. મળી આવેલા સામાનની તસવીર અને વિગતો પશ્ચિમ રેલવેની સત્તાવાર સાઇટ પર શેર કરવામાં આવી છે.
સૌથી પહેલા તમારે https://wr.indianrailways.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે Passenger & Freight Services સેક્શનમાં ઓપરેશન અમાનત પર ક્લિક કરવાનું રહેશે.
ઓપરેશન અમાનત પર ટેપ કર્યા પછી તમને તે તમામ વિભાગોના નામ દેખાશે જેમાં આ સુવિધા ઉપલબ્ધ છે. જેમ કે મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ, ભાવનગર ડિવિઝનમાં આ સુવિધા ઉપલબ્ધ છે. જો તમે વિભાગના નામ પર ક્લિક કરો છો, તો તમારી સામે એક ફાઇલ ખુલશે જેમાં તારીખ સાથે મળી આવેલા સામાનની વિગતો જોવા મળશે.
આ સાઇટ દ્વારા જ તમે ખોવાયેલા સામાન વિશે માહિતી મેળવી શકો છો. જો તમારો સામાન ચોરાઈ ગયો હોય તો તમારે અલગ ફરિયાદ નોંધાવવી પડશે. જો પ્રાપ્ત થયેલ સામાન તમારો છે, તો તમારે પુરાવો આપવો પડશે કે સામાન તમારો છે તો જ તમે તેના પર દાવો કરી શકશો. બધી પ્રક્રિયાઓ પૂરી કર્યા પછી તમને તમારો સામાન પરત મળશે.