સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહિલા સાથે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવાના આરોપી વ્યક્તિના આગોતરા જામીનને માન્ય રાખ્યા હતા. કોર્ટે મહિલાને ઠપકો આપ્યો અને કહ્યું હતું કે તેણીએ લગ્નેત્તર સંબંધ રાખીને ગુનો કર્યો છે. કોર્ટે મહિલાને ચેતવણી પણ આપી કે લગ્ન દરમિયાન તેના પતિ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા બદલ તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
મહિલાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે બળાત્કારના આરોપી પુરુષને જામીન ન આપવા જોઈએ. જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની બેન્ચે મહિલાની અરજી ફગાવી દીધી અને પુરુષના આગોતરા જામીનને યથાવત રાખ્યા હતા.
મહિલાએ શું દલીલ કરી?
જ્યારે મહિલાના વકીલે દલીલ કરી કે પુરુષ લગ્નનું ખોટું વચન આપીને મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતો રહ્યો, ત્યારે કોર્ટે મહિલાને કહ્યું હતું કે, "તમે એક પરિણીત મહિલા છો અને તમારા બે બાળકો છે. તમે એક પરિપક્વ વ્યક્તિ છો, અને તમે જાણતા હતા કે તમે લગ્નેતર સંબંધ બાંધી રહ્યા છો.
વકીલે કોર્ટને કહ્યું કે બંને ઘણી વખત હોટલમાં ગયા હતા અને શારીરિક સંબંધો બાંધ્યા હતા. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે , "તમે તેના કહેવા પર વારંવાર હોટલમાં કેમ ગયા? તમે સારી રીતે સમજો છો કે તમે લગ્નેત્તર સંબંધ રાખીને ગુનો પણ કર્યો છે."
બંને સોશિયલ મીડિયા પર મળ્યા હતા
પરિણીત મહિલા અને પુરુષ 2016માં સોશિયલ મીડિયા મારફતે મળ્યા હતા અને ત્યારથી તેઓ સંબંધમાં છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેણીએ તેના તત્કાલીન જીવનસાથીના દબાણ અને આગ્રહથી તેના પતિ પાસેથી છૂટાછેડા માંગ્યા હતા, જેને આ વર્ષે 6 માર્ચે ફેમિલી કોર્ટે મંજૂર કરી હતી.
છૂટાછેડાના થોડા સમય પછી મહિલાએ પુરુષને તેની સાથે લગ્ન કરવા કહ્યું, પરંતુ તેણે ના પાડી હતી. આનાથી ગુસ્સે થઈને તેણીએ બિહાર પોલીસમાં ફરિયાદ નોંધાવી અને તેના પર લગ્નનું ખોટું વચન આપીને તેનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કાનૂની ઝઘડો શરૂ થતાં પટણા હાઈકોર્ટે પુરુષને આગોતરા જામીન આપ્યા હતા.