Air India Plane Crash: અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રારંભિક અહેવાલ પર એરલાઇનના CEO અને MD કેમ્પબેલ વિલ્સનની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, આ અહેવાલમાં, અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન AI171 માં કોઈ યાંત્રિક અને મેઇન્ટેન્સ સંબંધિત ખામી જોવા મળી નથી.
એર ઇન્ડિયાના CEO એ કહ્યું, 'વિમાન કે એન્જિનમાં કોઈ ટેકનિકલ કે મેઇન્ટેન્સ સંબંધિત ખામી જોવા મળી નથી. તમામ જરૂરી જાળવણી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઇંધણની ગુણવત્તામાં કોઈ સમસ્યા નહોતી. ટેકઓફ રોલમાં કોઈ અસામાન્યતા જોવા મળી ન હતી. બંને પાઇલટ્સે ઉડાન પહેલાં આલ્કોહોલ ટેસ્ટ પાસ કર્યો હતો અને તેમની હેલ્થ સામાન્ય હતી.'
પ્રારંભિક અહેવાલ પર સીઈઓએ બીજું શું કહ્યું?
સીઈઓએ એ પણ સ્પષ્ટતા કરી કે, પાઇલટ્સે ઉડાન પહેલાં જરૂરી શ્વાસ વિશ્લેષક પરીક્ષણ પાસ કર્યું હતું અને તમામ ફરજિયાત જાળવણી કાર્ય સમયસર કરવામાં આવ્યું હતું. ટેક-ઓફ પ્રક્રિયામાં પણ કોઈ અનિયમિતતા જોવા મળી ન હતી.
કેમ્પવેલ વિલ્સને જણાવ્યું હતું કે ડીજીસીએની દેખરેખ હેઠળ એર ઇન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તે બધા ઉડાન માટે યોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલમાં હજુ સુધી આવી કોઇ ખામી સામે આવી નથી.
CEO એ કર્મચારીઓને આ અપીલ કરી
વિલ્સને કહ્યું કે, રિપોર્ટમાં કોઈ કારણ આપવામાં આવી નથી. તેમણે કર્મચારીઓને કહ્યું કે, તપાસ હજુ પૂર્ણ થઈ નથી તેથી અકાળે નિષ્કર્ષ ન કાઢો.
AAIB રિપોર્ટમાં શું ખુલાસો થયો?
આ રિપોર્ટમાં ખુલાસો થયો કે ,પ્લેન નંબર AI171 યોગ્ય રીતે ઉડાન ભરી હતી. આ પછી બધું સામાન્ય હતું અને તે જરૂરી ઊંચાઈએ પણ પહોંચી ગયું હતું, પરંતુ અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચ 'RUN' થી 'CUTOFF' પર ખસી ગયા અને એન્જિનને ઇંધણ મળવાનું બંધ થઈ ગયું. જ્યારે ઇંધણ એન્જિન સુધી પહોંચ્યું નહીં, ત્યારે પ્લેન ઉડી શક્યું નહીં અને ક્રેશ થયું.