નવી દિલ્લીઃ નરેન્દ્ર મોદી સરકારમાં રેલવે મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી સુરેશ અંગડીનું કોરોનાને કારણે અવસાન થયું છે. અંગડીનો 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું પછી તેમની એમ્સમાં સારવાર ચાલી રહી હતી. તેમની વય 65 વર્ષ હતી.


સુરેશ અંગડી કર્ણાટકના બીજા એવા સાંસદ છે કે જે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. અંગડી પહેલાં રાજ્યસભાના સાંસદ અશોક ગસ્ટીનું થોડા દિવસ પહેલાં કોરોનાને કારણે મૃત્યુ થયુ હતું. સુરેશ અંગડી લોકસભાના સાંસદ હતા અને સળંગ ચાર વાર બેલગાંવ લોકસભા બેઠક પરથી ચૂંટાયા હતા. સુરેશ અંગડી 2004, 2009, 2014 અને 2019 એમ સળંગ ચાર વાર લોકસભા ચૂંટણી જીત્યા હતા.

1995માં જન્મેલા સુરેશ અંગડી કર્ણાટકના બેલગામ જિલ્લાથી ભાજપના નેતા હતા. અઢી દાયકાની રાજકિય કરિયર દરમિયાન પાર્ટીમાં અનેક પદો પર રહ્યા હતા. તેઓ 1996માં બેલગામના ભાજપ ઉપાધ્યક્ષ બન્યા હતા. જે બાદ તેમમની રાજકિય સફર સતત આગળ વધતી ગઈ હતી. સુરેશ અંગડી લો ગ્રેજ્યુએટ હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ વડા પ્રધાન એચડી દેવે ગૌડાએ રેલવે રાજ્ય મંત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યું કે સુરેશ અંગડી એક અસાધારણ કાર્યકર હતા કે જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી હતી. તેઓ એક સમર્પિત સાંસદ અને પ્રભાવશાળી મંત્રી હતા. તેમનું મૃત્યુ દુ:ખદાયક છે. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને મિત્રોની સાથે છે.

સુરેશ અંગડીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રેલ મંત્રી પીયૂષ ગોયલ, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા સહિત અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો છે.