બેંગલુરુની ઘણી મોટી અને લક્ઝુરિયસ હોટલોને ઈમેઇલ મારફતે બોમ્બની ધમકી મળી હતી. ઈલેક્ટ્રોનિક સિટીની ફાઈવ સ્ટાર ઓટેરા હોટેલ સહિત કુલ ત્રણ હોટલને બોમ્બ હોવાની ધમકીના ઈમેઈલ મળ્યા છે.
આ બોમ્બની ધમકી બુધવારે બપોરે 2 વાગ્યે ઈમેઇલ મારફતે આપવામાં આવી હતી પરંતુ હોટલના સ્ટાફે ગુરુવારે સવારે ઈમેઇલ ચેક કર્યો, ત્યારબાદ તેમને આ ધમકીની જાણ થઈ હતી. આ ધમકીથી ડરીને હોટલ પ્રશાસને પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ હાલમાં ઓટેરા અને અન્ય હોટલોમાં છે.
ઘટનાની જાણ થતા પોલીસે તમામ હોટલમાં તપાસ શરૂ કરી હતી. જોકે કલાકોની તપાસ બાદ પોલીસે આ ઇમેઇલને અફવા ગણાવી હતી. પોલીસને હોટલોમાંથી કોઇ વિસ્ફોટક ડિવાઇસ મળ્યા નથી. બાદમાં હોટલના કર્મચારીઓ અને મહેમાનોને રાહત મળી હતી.
નોંધનીય છે કે આ પહેલા પણ ઘણી વખત દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં શાળાઓ, હોટલ અને સરકારી મંત્રાલયોની ઈમારતોમાં બોમ્બ રાખવાની ધમકી ઈમેઇલ દ્વારા આપવામાં આવી હતી.
છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવા શહેરોની શાળાઓ અને હોસ્પિટલોને ધમકીભર્યા ઈ-મેઇલ મળી રહ્યા હતા. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ગોવા, નાગપુર અને કોલકાતાના એરપોર્ટની વિવિધ સરકારી ઇમારતોને વિદેશીઓ તરફથી ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે અગાઉ અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ શાળાઓને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે રશિયન મેઇલ આઈડીથી ધમકી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીનો છે. તપાસમાં ક્રાઈમબ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમ જોડાઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી.
મળતી જાણકારી અનુસાર ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયને ધમકીભર્યા ઈમેલ મળ્યા હોવાની જાણકારી મળી હતી. નોંધનીય છે કે, હાલમાં જ દિલ્હી-એનસીઆરની 200થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મામલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. ધમકીભર્યા ઇમેલ રશિયાના વીપીએનથી મોકલાયા હતા. દિલ્હી એનસીઆરમાં અંદાજે 80થી વધુ સ્કૂલમાં બોમ્બની ધમકી મળી હતી. જોકે તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે પણ તપાસ કરી હતી.