મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ચોમાસુ નિર્ધારિત સમય કરતા 16 દિવસ વહેલું આવી જતાં મે મહિનામાં સૌથી વધુ વરસાદનો 107 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો. ભારે વરસાદને કારણે મધ્ય રેલ્વેની હાર્બર લાઇન પર લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હોવાથી હજારો લોકો અટવાઈ ગયા હતા. હવામાન વિભાગે આજે પણ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન, કર્ણાટક, મહારાષ્ટ્રમાં વરસાદ અને ભારે પવન ફૂંકવાની આગાહી કરી છે.

Continues below advertisement


હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ અને રત્નાગિરી જિલ્લામાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું હતું, જેને સોમવારે સવારે રેડ એલર્ટમાં બદલી દેવામાં આવ્યું હતું. આ જિલ્લાઓમાં મંગળવારે ભારે વરસાદ માટે રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.


સોમવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આંધ્રપ્રદેશના રાયલસીમા વિસ્તારમાં પહોંચી ગયું. તે એક કે બે દિવસમાં આંધ્રપ્રદેશના અન્ય વિસ્તારોમાં પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ તેલંગાણા, મિઝોરમના બાકીના ભાગો, સમગ્ર ત્રિપુરા, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ અને આસામ અને મેઘાલયના કેટલાક ભાગોમાં સમય પહેલા પહોંચી ગયું છે. તે આગામી ત્રણ દિવસમાં બાકીના મહારાષ્ટ્ર અને સમગ્ર પૂર્વોત્તરને આવરી લેશે.


ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન ઘટશે


સોમવારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં વધારે ગરમી નહોતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન 4 થી 6 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. ત્યારબાદ, ચારથી પાંચ દિવસમાં પારો 3 થી 4 ડિગ્રી વધવાની ધારણા છે.


વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડવાની પણ શક્યતા 


27 મે થી 1 જૂન દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાનમાં 40  થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું, વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે. આગામી બે દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ કરા પડી શકે છે.


મહારાષ્ટ્રમાં વિનાશ, 13 NDRF અને 2  SDRF ટીમો તૈનાત


વરલી ખાતે નવા બનેલા ભૂગર્ભ મેટ્રો સ્ટેશન પર પાણી ભરાઈ ગયા બાદ એક્વાલાઇન પરની સેવાઓ સ્થગિત કરવી પડી. 250 થી વધુ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થયાના અહેવાલ છે. મુંબઈ ઉપરાંત, થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં પણ વરસાદે ભારે તબાહી મચાવી છે. મહારાષ્ટ્રમાં વરસાદથી વણસી ગયેલી પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે 13  NDRF અને 2 SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. સોમવારે મુંબઈમાં ફસાયેલા લોકોના રાહત અને બચાવ કાર્યમાં NDRFની પાંચ ટીમો રોકાયેલી હતી. NDRFએ સતારા, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી, કોલ્હાપુર, સાંગલી અને સોલાપુરમાં પણ ચાર્જ સંભાળ્યો હતો. 


75 વર્ષમાં પહેલી વાર મુંબઈમાં આટલું વહેલું ચોમાસું પહોંચ્યું
 
આઇએમડી વૈજ્ઞાનિક સુષ્મા નાયરે જણાવ્યું હતું કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું સોમવારે મુંબઈમાં પહોંચ્યું હતું. છેલ્લા 75 વર્ષમાં પહેલી વાર મુંબઈમાં ચોમાસુ આટલું વહેલું પહોંચ્યું છે.