Chandrima Bhattacharya resigns: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વડા મમતા બેનર્જીને એક મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. મમતા દીદીના અત્યંત નજીકના મનાતા અને બંગાળ TMCના પ્રદેશ પ્રમુખ ચંદ્રિમા ભટ્ટાચાર્યએ અચાનક પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. મમતા બેનર્જીને સંબોધીને લખેલા પત્રમાં તેમણે માત્ર પ્રદેશ પ્રમુખ પદ જ નહીં, પરંતુ પાર્ટી સાથે જોડાયેલી અન્ય તમામ મહત્વની જવાબદારીઓમાંથી પણ મુક્ત થવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે.
પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠનાત્મક હોદ્દાઓ છોડ્યા
ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પોતાના રાજીનામા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે, તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 3 જૂન, 2026 ના રોજ કાલીઘાટ ખાતે મળેલી હાઈ-લેવલ બેઠકમાં જ તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત, તેઓ પાર્ટીમાં હાલ જે પણ અન્ય હોદ્દાઓ ધરાવતા હતા, તે તમામ પરથી પણ તેમણે તાત્કાલિક અસરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.
બેંક ખાતા અને ચૂંટણી પંચની જવાબદારીમાંથી પણ મુક્ત
પાર્ટીના સંગઠનાત્મક હોદ્દાઓ ઉપરાંત, તેમણે આર્થિક અને કાનૂની જવાબદારીઓ પણ છોડી દીધી છે. પોતાના પત્રમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ અને તેની સાથે સંકળાયેલા અન્ય સંગઠનોના વિવિધ બેંક ખાતાઓના 'અધિકૃત સહીકર્તા' (Authorized Signatory) તરીકેની જવાબદારી પણ પાછી ખેંચી રહ્યા છે. એટલું જ નહીં, ભારતના ચૂંટણી પંચ સમક્ષ મમતા બેનર્જી વતી 'અધિકૃત પ્રતિનિધિ' તરીકે કામ ન કરવાની અને પોતાની સંમતિ પાછી ખેંચવાની જાહેરાત પણ તેમણે કરી છે.
આ પણ વાંચોઃ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: બળવાખોર જૂથે મમતા બેનર્જીને અધ્યક્ષ પદેથી હટાવ્યા, અભિષેક બેનર્જી સસ્પેન્ડ
રાજીનામાનું કારણ અકબંધ, રાજકીય ગરમાવો વધ્યો
સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે, ચંદ્રિમા ભટ્ટાચાર્યએ પોતાના આ અણધાર્યા રાજીનામા પાછળનું કોઈ જ કારણ સ્પષ્ટ કર્યું નથી. તમામ પદો પરથી એકસાથે રાજીનામું આપવાના તેમના આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. ચંદ્રિમાને મમતા બેનર્જીના સૌથી વિશ્વસનીય નેતાઓમાંના એક ગણવામાં આવતા હતા, તેથી આ ઘટના પાર્ટી માટે એક મોટા આંચકા સમાન છે.
હાલમાં તો આ રાજીનામા અંગે તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે ખુલાસો સામે આવ્યો નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે જ્યારે આ નિર્ણય પાછળનું અસલી કારણ બહાર આવશે, ત્યારે રાજ્યના રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડી શકે છે.
આ પણ વાંચોઃ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જીને આપી મોટી તક, શું TMC આ મોટા ભંગાણમાંથી બચી જશે?
