Weather Forecast: દેશમાં હાલ કમોસમી વરસાદ અને વાવાઝોડાથી કોઈ રાહત મળતી દેખાઈ રહી નથી. હવામાન વિભાગે (IMD) આવતીકાલ એટલે કે 8 એપ્રિલ માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની આકરી ચેતવણી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન આકાશમાંથી વીજળી પડવાની અને 70 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ભયંકર ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. પૂર્વી ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડશે. જો તમે પહાડી રાજ્યોમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા જિલ્લાનું હવામાન ચોક્કસ જાણી લેજો. સાથે જ, ખેડૂતોને પણ પાક બચાવવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે કેટલાક વિસ્તારોમાં કરા પડવાની પણ પૂરેપૂરી શક્યતા છે. ચાલો વિગતે જાણીએ કે કયા રાજ્યમાં હવામાન કેવું રહેશે.

તમારા રાજ્ય અને જિલ્લામાં કેવું રહેશે હવામાન?

દિલ્હી (8 એપ્રિલ): રાજધાની દિલ્હીમાં ફરી એકવાર વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. આ દરમિયાન ગાજવીજ અને વીજળી પડવાની આગાહી છે, સાથે જ પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

Continues below advertisement
Continues below advertisement

ઉત્તર પ્રદેશ (8-9 એપ્રિલ): યુપીના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી છે. જેમાં આગ્રા, મથુરા, સહારનપુર, હાપુડ, મુઝફ્ફરનગર, બરેલી, બુલંદશહેર, લખનૌ, કાનપુર, પ્રતાપગઢ અને બાંદા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

બિહાર (8 એપ્રિલ): પટના, ગયા, મુઝફ્ફરપુર, પશ્ચિમ અને પૂર્વ ચંપારણ, નાલંદા, વૈશાલી, દરભંગા અને પૂર્ણિયા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. અહીં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.

પહાડી રાજ્યો - ઉત્તરાખંડ અને હિમાચલ (8-10 એપ્રિલ): ઉત્તરાખંડના નૈનીતાલ, દેહરાદૂન, ચમોલી અને પિથોરાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી છે. જ્યારે હિમાચલના શિમલા, મંડી, કુલ્લુ અને કાંગડામાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. બંને રાજ્યોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હરિયાણા અને પંજાબ (8-9 એપ્રિલ): હરિયાણાના ગુરુગ્રામ, કરનાલ અને અંબાલામાં, તથા પંજાબના અમૃતસર, લુધિયાણા અને જલંધરમાં વરસાદની આગાહી છે. અહીં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ (8-9 એપ્રિલ): રાજસ્થાનના જયપુર, અજમેર અને કોટામાં 8 એપ્રિલે 70 કિમીની ઝડપે પવન સાથે વરસાદ-વાવાઝોડાની ચેતવણી છે. જ્યારે મધ્યપ્રદેશમાં ભોપાલ, ગ્વાલિયર અને સતના જેવા જિલ્લાઓમાં 75 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે.

અન્ય રાજ્યોની સ્થિતિ:

પૂર્વ ભારત: 8 એપ્રિલે પશ્ચિમ બંગાળના મેદાની વિસ્તારોમાં પવનની ગતિ 60 થી 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. 9 એપ્રિલે ઝારખંડના રાંચી અને જમશેદપુરમાં ભારે વરસાદની ચેતવણી છે. ઓડિશામાં પણ પવન અને વરસાદનો માહોલ રહેશે.

મધ્ય ભારત: મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 8 થી 9 એપ્રિલ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડશે, જેનાથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.

ઉત્તર-પૂર્વ ભારત: 8 થી 13 એપ્રિલ દરમિયાન આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 30-40 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ અને ગાજવીજની શક્યતા છે.

પશ્ચિમ અને દક્ષિણ ભારત: ગુજરાતમાં 7 એપ્રિલે હળવા વરસાદ અને 30-40 કિમીની ઝડપે પવનની આગાહી કરાઈ હતી. દક્ષિણ ભારતમાં 8 થી 11 એપ્રિલ વચ્ચે આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં 30-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે.