Tomorrow weather forecast: દેશભરમાં અત્યારે હવામાનનો મિજાજ સાવ બદલાઈ ગયો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં જે કાળઝાળ ગરમી અને હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો, તેમાંથી હવે લોકોને મોટી રાહત મળી રહી છે. હવામાન વિભાગ (IMD) ની નવી આગાહી મુજબ, એક સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) ના કારણે આગામી 36 થી 48 કલાકમાં દેશના 17 જેટલા રાજ્યોમાં ગાજવીજ, વરસાદ અને કરા પડવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં ધૂળભરી આંધીએ વાતાવરણમાં પલટો આણ્યો છે. આ સાથે જ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં પણ ચક્રવાતી પરિભ્રમણના કારણે ભારે વરસાદના સંકેતો છે, જેનાથી ગરમીનું મોજું લગભગ ગાયબ થઈ જશે.

Continues below advertisement

યુપીમાં આંધી-તોફાન સાથે વરસાદની ચેતવણી

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, અહીં પણ ગરમીથી શેકાતા લોકોને વરસાદે હાશકારો કરાવ્યો છે. લખનૌ, વારાણસી અને કાનપુર સહિત 22 જેટલા જિલ્લાઓમાં વાતાવરણ બદલાયું છે. હવામાન વિભાગે 4 થી 7 મે દરમિયાન 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આ ફેરફારથી મહત્તમ તાપમાન ઘટીને 30 ડિગ્રી અને લઘુત્તમ 22 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જેથી આખું અઠવાડિયું ગરમીથી રાહત રહેશે.

Continues below advertisement

દિલ્હી-NCR માં સુધરી હવાની ગુણવત્તા

દિલ્હી-NCR માં પણ રવિવાર રાતથી જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ પડેલા વરસાદથી પારો સામાન્ય કરતા નીચે 33 ડિગ્રીની આસપાસ આવી ગયો છે. 4 અને 5 મેના રોજ અહીં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સૌથી સારી વાત એ છે કે આ વરસાદના કારણે હવાની ગુણવત્તા (AQI) સુધરીને 110 ની આસપાસ પહોંચી ગઈ છે, જેનાથી લોકોને પ્રદૂષણમાંથી પણ ઘણી રાહત મળી છે.

રાજસ્થાનમાં 19 જિલ્લાઓ માટે એલર્ટ

રાજસ્થાનમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોરદાર અસર દેખાઈ રહી છે. જયપુર હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં આંધી અને વરસાદની શક્યતા છે. અત્યારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ 22 થી 23 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ રહ્યું છે. IMD એ આગામી બે દિવસ માટે 19 જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં કરા પડવાની પણ પૂરી શક્યતા છે.

આવતીકાલનું હવામાન: 19 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 km/h ની ઝડપે ફૂંકાશે પવન

હિમાચલ અને કાશ્મીરમાં પાછી આવી કડકડતી ઠંડી

પહાડી રાજ્યોની વાત કરીએ તો, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં વાતાવરણ એકદમ ખુશનુમા અને ઠંડુગાર બની ગયું છે. હિમાચલમાં 6 અને 7 મે માટે વરસાદ અને બરફવર્ષાનું એલર્ટ છે, જ્યારે શિમલા, કુલ્લુ અને કાંગડામાં કરા પડવાની શક્યતા છે. બીજી તરફ, કાશ્મીરમાં તાપમાનમાં 5 થી 6 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોને મે મહિનામાં પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી 36 કલાકમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે અને શ્રીનગર, પહેલગામ તથા ગુલમર્ગ જેવા વિસ્તારોમાં ખરાબ હવામાન યથાવત રહેશે.