Tomorrow weather forecast India: શું તમે પણ આ કાળઝાળ ગરમી અને બફારાથી કંટાળી ગયા છો? તો તમારા માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગે (IMD) લોકોને ગરમીમાંથી બહુ મોટી રાહત આપતી આગાહી કરી છે. IMD ના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 15 કલાકની અંદર દેશના 10 જેટલા રાજ્યોમાં હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ રાજ્યોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી (એલર્ટ) જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનથી લઈને ઉત્તર ભારત અને દક્ષિણના કેટલાક રાજ્યોમાં આ તોફાની હવામાનની અસર જોવા મળશે, જેનાથી તાપમાનનો પારો ગગડશે અને સામાન્ય જનતાને ગરમીથી મોટો હાશકારો મળશે.

આ 10 રાજ્યોમાં જારી કરાયું છે એલર્ટ

હવામાન વિભાગે જે 10 રાજ્યો માટે વરસાદ, તોફાન અને વાવાઝોડાની આગાહી કરી છે તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

Continues below advertisement
Continues below advertisement

ક્યાં કેવું રહેશે હવામાન?

દિલ્હી (યલો એલર્ટ): 31 મેના રોજ દિલ્હીનું વાતાવરણ એકદમ ખુશનુમા રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. 1 જૂને લોકોને ગરમીથી સારી એવી રાહત મળશે (મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ 25 ડિગ્રી આસપાસ રહેશે). જોકે, 2 જૂનથી ફરી પારો ઊંચકાશે અને 4 જૂન સુધીમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ઉત્તર પ્રદેશ (વરસાદ અને તોફાન): યુપીમાં આગામી બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સહારનપુરમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ સહિત 20 જિલ્લાઓમાં 80 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને કરા પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

બિહાર (કરા અને વાવાઝોડું): 31 મેના રોજ પટણા, રાજગીર, સિવાન અને ભાગલપુરમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાની ચેતવણી છે. પટણામાં પવનની ઝડપ 100 કિમી/કલાક સુધી પહોંચી શકે છે, જેથી લોકોએ ખાસ સાવચેત રહેવું.

રાજસ્થાન (આંધી અને વરસાદ): પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ (આંધી) ઉડશે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ અને કરા પડી શકે છે. આ વરસાદી માહોલના કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ (પહાડી રાજ્યો): હિમાચલ પ્રદેશમાં 4 જૂન સુધી તોફાની પવન (40-50 કિમી/કલાક) અને કરા સાથે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ અને ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી છે. લોકોને વીજળી પડવા અંગે ચેતવણી આપવામાં આવી છે.

પંજાબ (વરસાદની આગાહી): પંજાબના ચંદીગઢ, મોહાલી, પઠાણકોટ અને ગુરદાસપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જે લોકોને ગરમીથી મોટી રાહત આપશે.

આ પણ વાંચોઃ આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી

પશ્ચિમ બંગાળ અને ઓડિશા: બંગાળના દરિયાકાંઠે 40 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આથી માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના અપાઈ છે. ઓડિશાના સુંદરગઢ, સંબલપુર જેવા વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી છે, જ્યારે પુરી, કટક અને ભદ્રકમાં ગરમી અને બફારો યથાવત રહેશે.

તમિલનાડુ (ભારે વરસાદ): દક્ષિણના આ રાજ્યના 14 જિલ્લાઓમાં (જેમ કે કોઈમ્બતુર, નીલગિરી, સાલેમ, તિરુપુર) આગામી બે દિવસ સુધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. અહીં સળંગ એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.