Ex Australian PM Tony Abbot : ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે ભારતને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે G-20ના પ્રમુખપદ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકારની પ્રશંસા કરી છે. ટોની એબોટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ પ્રમુખપદ ભારતને વિશ્વની બીજી સૌથી મોટી લોકતાંત્રિક મહાસત્તા તરીકે પોતાને પ્રદર્શિત કરવામાં મદદ થશે. ભારત હવે માત્ર પ્રાદેશિક શક્તિ તરીકે નહીં રહે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ PMએ G-20ના અધ્યક્ષપદને ભારતની વ્યૂહાત્મક અને રાજદ્વારી યુગમાં પરત ફરવાનો સંકેત ગણાવ્યો છે. એટલું જ નહીં, એબોટે ક્વાડને નાટો બાદ બીજા નંબરનું સૌથી મોટું વ્યૂહાત્મક ડેવલપમેંટ ગણાવ્યું છે. તેમણે પીએમ મોદી અને જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબેને તેના જનક ગણાવ્યા છે. શિન્ઝો હાલ આ દુનિયામાં નથી. ગયા વર્ષે તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટ હાલ ભારતની મુલાકાતે છે. તેઓ નવી દિલ્હીમાં આયોજિત રાયસીના ડાયલોગ 2023માં ભાગ લેવા પહોંચ્યા છે. કાર્યક્રમ સિવાય તેમણે ભારત અને વડાપ્રધાન મોદી વિશે ઘણી મોટી વાતો કહી હતી. G-20ના ભારતના પ્રમુખપદ પર ભૂતપૂર્વ PMએ કહ્યું હતું કે, તેમને ખાતરી છે કે તે ભારતને માત્ર એક પ્રાદેશિક શક્તિ તરીકે નહીં, પરંતુ વિશ્વની બીજી સૌથી મોટી લોકશાહી મહાસત્તા તરીકે દર્શાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું હતું કે, મને લાગે છે કે ભારત વ્યૂહાત્મક અને રાજદ્વારી યુગમાં આવવાનો આ એક મોટો સંકેત છે.


એબોટે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો પર શું કહ્યું?


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો અંગે એબોટે કહ્યું હતું કે, સમયની સાથે તે વધુ ગાઢ બની રહ્યો છે. બંને દેશોએ ગયા વર્ષે ઇકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે ECTAને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. તે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેના વધતા સંબંધોનું પ્રતીક છે. પૂર્વ પીએમે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયાના ઘણા મંત્રીઓ દિલ્હીમાં છે. તેઓ ઉચ્ચ સ્તરે બેઠક કરી રહ્યા છે. આ ભારત સાથે ગાઢ સંબંધોની ઓળખ છે.


પીએમ મોદીની ક્વોડની પ્રશંસા


ટોની એબોને ક્વાડને નાટો બાદ બીજું સૌથી મોટું વ્યૂહાત્મક ડેવલપમેન્ટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, માત્ર એક એશિયન નેતા જ આ પહેલ શરૂ કરી શક્યા હોત. જે રીતે શિન્ઝો આબે અને નરેન્દ્ર મોદીએ આ માટે પ્રયત્નો કર્યા તે માત્ર તેઓ જ કરી શકે. દુનિયાએ આ બંને જનકનો આભાર માનવો જોઈએ.


એબોટે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવને પણ જવાબ આપ્યો હતો. પૂર્વ પીએમએ કહ્યું હતું કે, તેમણે લવરોવની વાત સાંભળી નથી. તેમણે વિચાર્યું કે, જો તેમણે લવરોવની વાત સાંભળી હોત, તો તેના મોંમાંથી કંઈક અપમાનજનક બહાર આવ્યું હોત. એમ વિચારીને તે દૂર જ રહ્યાં. યુક્રેનમાં રશિયા જે કરી રહ્યું છે તે ભયાનક છે.