Traffic E Challan Payment: વાહન ચાલકો માટે લાલબત્તી સમાન સમાચાર છે. જો તમે પણ મોબાઈલમાં આવતા ટ્રાફિક મેમો (Traffic Memo) ના મેસેજને સામાન્ય ગણીને અવગણી રહ્યા હોવ, તો હવે સાવધાન થઈ જજો. કેન્દ્ર સરકારે ટ્રાફિકના નિયમો તોડનારા અને દંડ ભરવામાં આળસ કરનારા વાહન ચાલકો સામે હવે 'ડિજિટલ લાલ આંખ' કરી છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા કડક નિયમ મુજબ, જો તમે સમયસર ઈ-ચલણ નહીં ભરો, તો તમારું વાહન સીધું જ સરકારના 'પરિવહન પોર્ટલ' (Parivahan Portal) પર 'બ્લેકલિસ્ટ' (Blacklist) કરી દેવામાં આવશે.

સરકારના આ નવા ડિજિટલ ફટકાનો અર્થ ગંભીર છે. તમારું વાહન ભલે રસ્તા પર ચાલતું હોય, પણ સરકારી ચોપડે તે 'નિષ્ક્રિય' ગણાશે. એકવાર વાહન બ્લેકલિસ્ટ થઈ જાય પછી માલિકને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે તમે તમારા વાહનની માલિકી ટ્રાન્સફર (Ownership Transfer) કરી શકશો નહીં, એટલે કે ગાડી વેચી શકાશે નહીં.

Continues below advertisement
Continues below advertisement

માત્ર વેચાણ જ નહીં, પરંતુ અન્ય જરૂરી સેવાઓ પણ અટકી પડશે. બ્લેકલિસ્ટ થયેલા વાહનનો વીમો રિન્યુ (Insurance Renewal) કરાવવામાં, ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં કે પોલ્યુશન સર્ટિફિકેટ (PUC) કઢાવવામાં મોટી અડચણો આવશે. જ્યાં સુધી જૂનો દંડ નહીં ભરાય ત્યાં સુધી સિસ્ટમ અનલોક થશે નહીં.

આ નવી વ્યવસ્થા માત્ર દંડ વસૂલવા માટે નથી, પરંતુ પ્રક્રિયાને પારદર્શક (Transparent) બનાવવા માટે છે. નવા નિયમ મુજબ, ટ્રાફિક પોલીસ અથવા સંબંધિત અધિકારીએ નિયમ ભંગ થયાના 3 દિવસની અંદર ફરજિયાતપણે ઈલેક્ટ્રોનિક માધ્યમથી ચલણ જનરેટ કરીને વાહન માલિકને જાણ કરવી પડશે.

સરકારે વાહન ચાલકોની સુવિધાનો પણ વિચાર કર્યો છે. જો કોઈને લાગે કે તેને ખોટો મેમો આપવામાં આવ્યો છે, તો તેણે હવે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. ચલણ મળ્યાના 45 દિવસની અંદર તે પોર્ટલ પર ફોટો કે વીડિયો પુરાવા તરીકે અપલોડ કરી ઓનલાઈન (Online) અપીલ કરી શકશે.

નિષ્ણાતોનું માનવું છે કે ઓવરસ્પીડિંગ અને રેડ લાઈટ જમ્પિંગ જેવા ગુનાઓ અટકાવવા માટે આ કડક પગલું જરૂરી હતું. હવે વાહન ચાલકોએ માત્ર પોતાની સુરક્ષા માટે જ નહીં, પરંતુ પોતાના વાહનના 'સ્ટેટસ' ને બચાવવા માટે પણ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ટૂંકમાં, દંડ ન ભરવાની જૂની છટકબારીઓ હવે સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે.