Kolkata Hotel Fire: કોલકાતામાં એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. આના કારણે 14 લોકોના મોત થયા હતા. મંગળવારે રાત્રે કોલકાતાના બડા બજાર વિસ્તારમાં મચ્છુઆ ફલમંડી નજીક આવેલી રિતુરાજ હોટલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ આગની ઘટના પર પ્રતિક્રિયા આપી હતી.
ANIના અહેવાલ અનુસાર, કોલકાતા પોલીસ કમિશનર મનોજ કુમાર વર્માએ આગની ઘટના અંગે જણાવ્યું હતું કે, "આગની ઘટના મંગળવાર રાત્રે 8:15 વાગ્યાની આસપાસ બની હતી. અત્યાર સુધીમાં 14 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ટીમો દ્વારા ઘણા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી ચાલુ છે. આગ કેવી રીતે લાગી તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ માટે એક ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રમુખ શુભંકર સરકારે કહ્યું, "આ એક દુઃખદ ઘટના છે. સરકાર તરફથી કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. મને ખબર નથી કે સરકાર શું કરી રહી છે." કોલકાતાના મેયર ફિરહાદ હકીમ પણ અકસ્માત સ્થળે પહોંચી ગયા છે.
આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. કોલકાતાની હોટલમાં આગ એટલી ભીષણ હતી કે લોકોએ જીવ બચાવવા માટે ઇમારત પરથી કૂદી પડ્યા હતા. જોકે, આ સમય દરમિયાન ફાયર બ્રિગેડ ટીમે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ઘટનાસ્થળે પહોંચીને અનેક લોકોને બચાવ્યા હતા.