Bengaluru-Kamakhya Express derailment: કટક જિલ્લાના નેરગુંડી સ્ટેશન નજીક આજે રવિવારે સવારે બેંગલુરુ-કામખ્યા એસી સુપરફાસ્ટ એક્સપ્રેસના ૧૧ ડબ્બા પાટા પરથી ઉતરી જતાં એક વ્યક્તિનું કરૂણ મોત થયું છે અને અન્ય ૨૫ મુસાફરો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ઇસ્ટ કોસ્ટ રેલવે (ECoR) હેઠળના ખુર્દા રોડ ડિવિઝનના કટક-નેરગુંડી રેલવે વિભાગમાં સવારે ૧૧:૫૪ વાગ્યે બની હતી.

ECoRના જનરલ મેનેજર અને ખુર્દા રોડના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) સહિત વરિષ્ઠ રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ECoR દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, અકસ્માત રાહત અને તબીબી રાહત ટ્રેનો પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.

ECoRના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અટવાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે ટ્રેનના મુસાફરો અને તેમના પરિવારો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કર્યા છે. ભુવનેશ્વર, ભદ્રક અને કટક રેલ્વે સ્ટેશનો પર પણ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે."

ECoRના મુખ્ય જનસંપર્ક અધિકારી અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, "પાટા પરથી ઉતરી જવાનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. હાલમાં, અમારું મુખ્ય ધ્યાન આ રૂટ પર ફસાયેલી ટ્રેનોને ડાયવર્ટ કરવા પર છે અને પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેનના અસરગ્રસ્ત મુસાફરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા પર છે. તેમને બહાર કાઢવા માટે એક વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવશે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાટા પરથી ટ્રેન ખડી જવાના કારણે ત્રણ અન્ય ટ્રેનોને તેમના નિર્ધારિત રૂટ પરથી ડાયવર્ટ કરવામાં આવી છે.

રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે: ભુવનેશ્વર - ૮૧૧૪૩૮૨૩૭૧, ભદ્રક - ૯૪૩૭૪૪૩૪૬૯, કટક - ૭૨૦૫૧૪૯૫૯૧, પલાસા - ૯૨૩૭૧૦૫૪૮૦, જાજપુર કેઓંઝર રોડ - ૯૩૫૮૪૦૨૪૫૫. રેલવે અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.