તાજેતરમાં યોજાયેલી ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની જીત બાદ માણિક સાહાને ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે બીજી ટર્મ મળી છે. સોમવારે મળેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર સહમતિ સધાઈ હતી. સાહા આજે (બુધવારે) બીજી વખત પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.






શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહેશે. સાહા સોમવારે સાંજે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળ્યા હતા અને ત્રિપુરામાં સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. શપથવિધિનો કાર્યક્રમ અગરતલાના સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાશે. અમિત શાહ અને નડ્ડા મંગળવારે જ અગરતલા પહોંચી ગયા છે. મહારાજા બીર બિક્રમ એરપોર્ટ પર માણિક સાહાએ તેમનું સ્વાગત કર્યું હતું.






આ પહેલા સોમવારે ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય દળના નેતા માટે માણિક સાહાના નામનો સર્વસંમતિથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બેઠક બાદ સાહાએ ટ્વીટ કર્યું હતું કે, "મને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવા બદલ હું દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું." પીએમ નરેન્દ્ર મોદી જીના માર્ગદર્શન હેઠળ અમે 'ઉન્નત ત્રિપુરા, શ્રેષ્ઠ ત્રિપુરા' બનાવવા અને તમામ વર્ગના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે સાથે મળીને કામ કરીશું.


માણિક સાહાએ શુક્રવારે અગરતલાના રાજભવનમાં રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજ્યપાલે તેમને નવી સરકાર શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી સીએમ તરીકે ચાલુ રહેવા જણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા સાહાએ કહ્યું હતું કે 8 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કાર્યક્રમમાં હાજરી આપશે.


છેલ્લી વખત શપથ ગ્રહણ સમારોહ આસામ રાઈફલ્સ ગ્રાઉન્ડમાં યોજાયો હતો અને આ વખતે તે સ્વામી વિવેકાનંદ મેદાનમાં યોજાશે, એમ સાહાએ પત્રકારોને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે રાજ્યની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથ ગ્રહણ સમારોહમાં પાર્ટીના અન્ય નેતાઓ સાથે હાજર રહેશે. તેમણે કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોના ઘણા મુખ્યમંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.


નોંધનીય છે કે  ભાજપ રાજ્યમાં પૂર્ણ બહુમતી મેળવીને સત્તામાં પરત ફર્યું છે. ભારતના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં લગભગ 39 ટકા વોટ શેર સાથે ભાજપે 32 બેઠકો જીતી છે. ટીપરા મોથા પાર્ટી 13 બેઠકો જીતીને બીજા ક્રમે છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ને 11 જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી. ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) એક સીટ જીતીને પોતાનું ખાતું ખોલવામાં સફળ રહી હતી