Donald Trump Statement: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફરી એકવાર પોતાના નિવેદનથી રાજદ્વારી ભૂકંપ સર્જ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી સાથેની ઉચ્ચ સ્તરીય ટેલિફોનિક વાતચીત બાદ ટ્રમ્પે ભારત માટે 'ટેરિફ' (Tariffs) ઘટાડવાની મોટી જાહેરાત તો કરી, પરંતુ સાથે જ રશિયાને લઈને એક એવો દાવો કર્યો છે જેનાથી ભારત અને રશિયાના સંબંધો પર નવી ચર્ચા શરૂ થઈ છે.
ભારતીય નિકાસકારો અને અર્થતંત્ર માટે સૌથી રાહતના સમાચાર એ છે કે અમેરિકાએ ભારત પર લાગતા આયાત શુલ્ક એટલે કે ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. અગાઉ જે ટેરિફ 25% હતો, તેને ઘટાડીને હવે 18% કરી દેવામાં આવ્યો છે. ભારત લાંબા સમયથી આ રાહતની માંગ કરી રહ્યું હતું. આ નિર્ણયથી ટેક્સટાઈલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને અન્ય નિકાસ ક્ષેત્રોને (Export Sector) મોટો વેગ મળવાની આશા છે.
જોકે, આર્થિક રાહતની વચ્ચે ટ્રમ્પનું રાજકીય નિવેદન સૌથી વધુ ચર્ચામાં છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે, "ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ (Crude Oil) ખરીદવાનું બંધ કરી દેશે." રશિયા અને ભારત વચ્ચે વર્ષો જૂની મિત્રતા અને મજબૂત એનર્જી પાર્ટનરશિપ (Energy Partnership) છે, તેથી આ નિવેદન આશ્ચર્યજનક માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુક્રેન યુદ્ધ દરમિયાન પણ ભારતે પશ્ચિમી દેશોના ભારે દબાણને અવગણીને રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું, જે ભારતના અર્થતંત્ર માટે ફાયદાકારક સાબિત થયું હતું. તેવામાં ટ્રમ્પનો આ દાવો આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારમાં (Global Energy Market) અનેક તર્ક-વિતર્કો સર્જી રહ્યો છે.
ટ્રમ્પના દાવામાં એક મોટી અસ્પષ્ટતા પણ છે. તેમણે આ દાવો કયા આધાર પર કર્યો છે કે ભારત ક્યારથી ખરીદી બંધ કરશે, તેની કોઈ સ્પષ્ટતા કે સમયરેખા (Timeline) આપી નથી. શું આ નિર્ણય તાત્કાલિક લાગુ થશે કે ભવિષ્યમાં, તે અંગે રહસ્ય અકબંધ છે.
બીજી તરફ, ટ્રમ્પના આ દાવા પર ભારત સરકાર કે વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે સમર્થન આવ્યું નથી. ભારતનું આ મૌન સ્થિતિને વધુ અસ્પષ્ટ બનાવી રહ્યું છે. મુત્સદ્દીગીરીના નિષ્ણાતો માને છે કે ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અને રશિયા સાથેના સંબંધોને જોતા આવો કોઈ પણ નિર્ણય ખૂબ વિચારીને જ લેશે.
આ ઘટનાક્રમ સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ સર્જાયો હતો. આ અંગે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર હિન્ટ આપી હતી કે ટૂંક સમયમાં મોટી જાહેરાત થવા જઈ રહી છે. તેના થોડા કલાકો બાદ જ ટેરિફ ઘટાડા અને રશિયન ઓઈલ અંગેના સમાચાર વહેતા થયા હતા.
